આખરે દયાપરની સી.સી. ટી.વી. કેમેરાની ગ્રાન્ટ દયાપર પંચાયત સુધી પહોંચી...!

દયાપર (તા. લખપત), તા. 16 : ગત વર્ષે દયાપરમાં એક વેપારી પાસેથી એક લાખની થેલી ઝૂંટવી ગઠિયો ફરાર થઇ ગયો હતો અને તાત્કાલિક પૂર્વ ધારાસભ્ય તારાચંદભાઇ છેડા આ ઘટનાને લઇ તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે ભોગ બનનાર વેપારી તેમજ વેપારી મંડળને આશ્વાસન આપ્યું હતું. વેપારીઓને રૂબરૂ મળ્યા હતા. સી.સી. ટી.વી. કેમેરાની માંગ કરી હતી અને તેમના ત્વરિત પ્રયાસોથી સાંસદની ગ્રાન્ટ મંજૂર કરી હતી, જેનો પત્ર વેપારી મંડળને અપાયો હતો. પરંતુ યેનકેન પ્રકારે આ ગ્રાન્ટની રકમ દયાપર સુધી પહોંચતાં 8 મહિનાનો સમય લાગી ગયો હતો. હવે આ ત્રણ લાખની રકમ દયાપર ગ્રામ પંચાયતમાં આવતાં ત્વરિત કામ ચાલુ કરાશે, તેવી વેપારીઓએ આશા વ્યક્ત કરી છે. વેપારીની થેલી ઝૂંટવાનો બનાવ હજુ ઉકેલાયો નથી ત્યારે સીસી ટીવી કેમેરાથી દયાપરમાં ત્રીજી આંખ હવે મુખ્ય શેરી, બજાર, હાઇવે પર નજર રાખશે જેથી આવી પ્રવૃત્તિ બનતાં અટકે. ગ્રાન્ટની રકમ બે દિવસ પહેલાં ગ્રા.પં.ને મળી હોવાનું સરપંચ ભવાનભાઇ પટેલે કહ્યું હતું અને 10 દિવસમાં સીસી ટીવી કેમેરાનું કામ કરી દેવાશે તેવું જણાવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાલોડિયાએ તા.પં.માં આવેલી ગ્રાન્ટને ગ્રા.પં.ને સોંપી દીધી છે, ફક્ત એગ્રીમેન્ટ કરવાના બાકી છે તેવું જણાવ્યું હતું.  ટૂંકમાં  હવે કામ ચાલુ થઇ જાય તેવી આશા જાગી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer