કોઠારાના ચર્ચાસ્પદ જમીનના કેસમાં આરોપીઓને આગોતરા : ભુજમાં મિલકત મામલે અપીલ રદ્ કરાઇ

ભુજ, તા. 16 : અબડાસાના કોઠારા પોલીસ મથકમાં નોંધાયેલા જમીન વિશેના ચકચારી કેસમાં રાજ્યની વડી અદાલત દ્વારા બે આરોપી હાલે નવી મુંબઇ રહેતા હેમરાજ માવજી ભાનુશાલી તથા ભાનાડા (અબડાસા)ના હરવિન્દરાસિંગ અમરજિતાસિંગ શીખને આગોતરા જામીન અપાયા હતા, જ્યારે ભુજ શહેરમાં આવેલી મિલકત બાબતે ચાલી રહેલા વિવાદ દરમ્યાન અરજદારે કરેલી અપીલ નામંજૂર કરતો ચુકાદો અપાયો હતો.કોઠારા પોલીસ મથકમાં જમીન મૂળમાલિકની જાણ બહાર અન્યને વેચી નાખવાના મામલે ફોજદારી દાખલ થઇ હતી. આ કેસમાં જેમની સંડોવણી બહાર આવી છે તેવા હેમરાજ ભાનુશાલી અને હરવિન્દરાસિંગ શીખ માટે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આગોતરા જામીનની અરજી મુકાઇ હતી. જે અરજી સુનાવણીના અંતે ન્યાયાધીશ દ્વારા મંજૂર કરાઇ હતી. આ કેસમાં આરોપીઓ વતી હાઇકોર્ટમાં વકીલ તરીકે હર્ષિલ સી. દતાણી સાથે ભુજના સંતોષાસિંહ આર. રાઠોડ, ચિન્મય એચ. આચાર્ય અને લાલજી એન. કટુઆ રહ્યા હતા. બીજીબાજુ ભુજની કચરા મૂલચંદ નામની પેઢીના માલિક નીલેશ પ્રાણજીવન મહેતા દ્વારા શરાફ બજારમાં આવેલી મિલકત બાબતે કીર્તિકુમાર કાન્તિલાલ ઝવેરી સામે કરેલી અપીલને અદાલતે નામંજૂર કરી હતી. આ ચુકાદો જિલ્લા અદાલતે આપ્યો હતો. આ કેસમાં પ્રતિવાદીના વકીલ તરીકે પંકજ એચ. વૈશ્નવ રહ્યા હતા.  

  બેન્કની વિરુદ્ધમાં ચુકાદો   ભુજના સુરેશ મોહનલાલ મોદીએ કરેલી ફરિયાદના કેસમાં કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે તેમની તરફેણમાં અને બેન્ક ઓફ ઇન્ડિયા વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. એ.ટી.એમ. સેવા બંધ કરાવી નખાયા પછીયે ગ્રાહકના ખાતામાંથી રૂા. 75 હજાર ઉપાડી લેવાતાં આ કેસ કરાયો હતો. ફોરમે બેન્કની સેવામાં ખામી માની ગ્રાહકને રૂા. 50 હજાર માનસિક ત્રાસ અને ખર્ચની રકમ સાથે ચૂકવવા આદેશ કર્યો હતો. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે ફોર્મલ એચ. ધોળકિયા રહ્યા હતા.  

  એટ્રોસિટીના કેસમાં છૂટકારો   એટ્રોસિટી ધારા તળે નોંધાયેલા એક કેસમાં આરોપી આશિષ નવીનભાઇ બારોટને નિર્દોષ મુકત કરતો ચુકાદો અપાયો હતો. ભુજના અધિક સેશન્સ જજ એલ.જી.ચૂડાસમાએ આ ચુકાદો આપ્યો હતો. આ કેસમાં આરોપીના વકીલ તરીકે દેવાયત એન. બારોટ અને ખીમરાજ એન. ગઢવી રહ્યા હતા.  

  વાહનમાલિકની તરફે ચુકાદો   રાજસ્થાનમાં અજમેર નજીક અસગરઅલી ગુલામઅલી ખોજાના ટેન્કરને અકસ્માત નડવાના કેસમાં વળતર બાબતના કેસમાં ફોરમે તેમની તરફે ચુકાદો આપ્યો હતો. પૂરતા કાગળો રજૂ થયા ન હોવાનું કારણ આગળ ધરી વીમા કંપની યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ દ્વારા વળતર આપવાની ના પડાતાં આ ફરિયાદ કરાઇ હતી. વાહનના માલિકને નુકસાનીની રકમ વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા આદેશ કરાયો હતો. આ કેસમાં ગ્રાહકના વકીલ તરીકે વી.પી.આલવાણી અને શૈલેન્દ્ર ડી. માતંગ રહ્યા હતા.  

  નિર્દોષ છૂટકારો   પૈસા પડાવવા માટે પોલીસનો સ્વાંગ સજીને દરોડો પાડવા સાથે બ્લેકમેઇલ કરવા સહિતના કૃત્ય કરવાના આરોપની ફોજદારી ફરિયાદના કેસમાં આરોપીઓ નિર્દોષ મુકત કરાયા હતા. અધિક ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ દ્વારા તહોમતદાર ભુજના ગુલામ મામદ ત્રાયા, દેશલપર (વાંઢાય)ના મંજુલાબેન જયંતીભાઇ પટ્ટણી અને ભુજના ગીતાબેન રતન ગઢવીને નિર્દોષ ઠેરવતો ચુકાદો અપાયો હતો.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer