પૂર્વ કચ્છમાં અકસ્માત-આપઘાતની બે ઘટનાઓમાં બે જણના પ્રાણ ગયા

ગાંધીધામ, તા. 16 : પૂર્વ કચ્છમાં માર્ગ અકસ્માત અને આપઘાતના બે બનાવમાં યુવાન અને પરિણીતાની જિંદગી ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. ભચાઉ તાલુકાના સામખિયાળી નજીક ઊભા ટ્રેઈલરના ઠાંઠામાં કાર ભટકાતાં સર્જાયેલા અકસ્માતમાં વિપુલ કનુભાઈ દાદલ (ઉ.વ. 37)નું તત્કાળ મોત નીપજ્યું હતું; જ્યારે  આધોઈમાં યુવાન પરિણીતા દયાબેન અનિલ સોમજી કોલી (ઉ.વ. 20)એ ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી.પોલીસનાં સત્તાવાર સાધનોના જણાવ્યા પ્રમાણે, સામખિયાળીમાં એ.એસ.આર. કંપની સામે માર્ગ અકસ્માતનો બનાવ ગતરાત્રિના 8.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. જી.જે. 12 બી.ટી. 2747 નંબરની કાર આગળ ઊભેલા ટ્રેઈલરના ઠાંઠામાં ભટકાઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પામેલા વિપુલનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું; જ્યારે કારમાં સવાર મુકેશ કમલેશ મઢવી, મુકેશ નથુ મઢવી અને હેતલ મોહન ચાવડાને હળવાથી ગંભીર  પ્રકારની ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે જનરલ હોસ્પિટલ-ભુજ ખસેડાયા છે. ભચાઉ તાલુકાના આધોઈ ગામમાં કાંકરિયા વિસ્તારમાં  અકસ્માત મોતનો બનાવ ગઈકાલે સાંજના 5 વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી પરિણીતાએ ઘરે પંખામાં રસ્સી વડે ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી. તેણીનો લગ્નગાળો  દોઢ વર્ષનો અને સંતાનમાં 9 મહિનાનો પુત્ર હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અંગેની વધુ તપાસ ભચાઉ ડીવાયએસપી ચલાવી રહ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer