વાહનની ચોરીના કેસમાં કચ્છ ફોરમનો ચુકાદો રાષ્ટ્ર સ્તરે પણ કાયમ રખાયો

ભુજ, તા. 16 : ભારવાહક વાહનની ચોરી બાબતના કેસમાં કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા વાહનમાલિક અંજારના જિતેન્દ્ર એમ. તન્નાની તરફેણમાં અપાયેલો ચુકાદો ફોરમની સર્વોચ્ચ અદાલતે પણ માન્ય રાખ્યો હતો.આ પ્રકરણમાં શ્રી તન્નાની ટ્રક જુલાઇ-2012માં ચોરાઇ હતી, જે બાબતે મુંબઇના કુર્લા પોલીસ મથકમાં ફરિયાદ લખાવાઇ હતી. અનધિકૃત વ્યક્તિ આ વાહનમાં સવાર હોવાથી અને તેના કારણે ચોરીનો બનાવ બન્યો હોવાનું કારણ આગળ ધરીને વીમા કંપની ધ ઇફકો ટોકિયો જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા વળતરનો દાવો નામંજૂર કરાતાં આ મામલે ફોરમ સમક્ષ ફરિયાદ કરાઇ હતી. જે-તે સમયે કચ્છ ફોરમે આ પ્રકરણમાં વીમા કંપનીની સેવામાં ખામી માની ચોરાઉ વાહનની પૂરી કિંમત વ્યાજ અને ખર્ચની રકમ સાથે ચૂકવવા આદેશ કર્યો હતો. આ હુકમને પહેલાં રાજ્ય કમિશન અને બાદમાં રાષ્ટ્રીય કમિશન સમક્ષ પડકારાયો હતો. પહેલાં રાજ્ય અને બાદમાં રાષ્ટ્રીય કમિશને કચ્છ ફોરમનો ચુકાદો કાયમ રાખી ગ્રાહકની તરફેણમાં કરાયેલા આદેશને જારી રાખ્યો હતો. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે રાજેશ પ્રેમજીભાઇ ઠક્કર, વિક્રમ વાલજીભાઇ ઠક્કર અને હાર્દિક નીતિનભાઇ જોબનપુત્રા રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer