પુલવામા હુમલા અંગે મુંબઈમાં વિરોધથી ટ્રેનવ્યવહાર અટક્યો

ગાંધીધામ, તા. 16 : કાશ્મીરના પુલવામા આતંકવાદી હુમલામાં સી.આર.પી.એફ.ના 44 જવાનો શહીદ થયાના બનાવ બાદ દેશભરમાં આક્રોશ ભભૂકી ઊઠ્યો છે. આજે સવારે મુંબઈના રેલવે સ્ટેશન ઉપર લોકોએ કરેલા દેખાવના કારણે મુંબઈ આવતી-જતી ટ્રેનોના આવાગમનને અસર થઈ હતી. જેમાં કચ્છ-મુંબઈ વચ્ચે દોડતી સયાજીનગરી એક્સપ્રેસને  દહાણુ અટકાવી દેવાઈ હતી. આજે સવારે નાલાસોપારા અને વિરાર રેલવે સ્ટેશને લોકો પાકિસ્તાનની વિરુદ્ધ ઉગ્ર આક્રોશ વ્યક્ત કરી ટ્રેક ઉપર ઊતરી આવ્યા હતા અને ટ્રેનો રોકી  દેવાઈ હતી, જેથી લોકલ અને અન્ય ટ્રેનોનો વ્યવહાર અટવાયો હતો. ગઈકાલે રાત્રે ભુજથી મુંબઈ આવવા નીકળેલી સયાજી- નગરી એક્સપ્રેસ (19116)ને દહાણુ રોડ પર અટકાવી દેવાઈ હતી અને દહાણુ-દાદર વચ્ચે રદ કરાઈ હતી તેમજ દાદર-ભુજ (19115)ઁને દહાણુથી જ સાંજે ભુજ માટે રવાના કરાઈ હતી. સયાજીનગરી એક્સપ્રેસને દહાણુ અટકાવી દેવાતાં સેંકડો પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ વિરોધ પ્રદર્શનના કારણે ગુજરાતથી મુંબઈ આવતી-જતી 14 જેટલી ટ્રેનોની આવનજાવનને અસર થઈ હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer