ગાંધીધામમાં બગીચા જાળવણીનો કોન્ટ્રેક્ટ વગર ટેન્ડરે લંબાવાયો

ગાંધીધામ, તા. 16 : શહેરના બગીચાઓની જાળવણી કરવા માટે પાલિકાએ ખાનગી કોન્ટ્રેક્ટરને કોન્ટ્રેક્ટ આપ્યો છે તેનો સમયગાળો પૂર્ણ થયો હોવા છતાં કોઈપણ ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા વગર ફરી એ જ ઠેકેદારને કોન્ટ્રેક્ટ અપાતાં આ અંગે વિપક્ષી ઉપનેતા દ્વારા રજૂઆત કરાઈ હતી. અહીંની પાલિકા દ્વારા સંકુલના બાગ-બગીચાઓની જાળવણી, રખરખાવ માટે ખાનગી પેઢીને કોન્ટ્રેક્ટ અપાયો હતો. જે કોન્ટ્રેક્ટ ગત વર્ષ સપ્ટેમ્બર-2018માં પૂર્ણ થઈ ગયો હતો. તેમ છતાં આ પેઢીને વધુ ત્રણ મહિનાનો તે જ ભાવ તે જ નિયમો તળે કોન્ટ્રેક્ટ અપાયો હતો. આ પેઢીના ભાવ વધુ હોવાથી જે-તે વખતે પણ તેનો વિરોધ થયો હતો. તેમ છતાં પણ આ જ પેઢીને ઊંચા ભાવે કોન્ટ્રેક્ટ જાળવી રાખીને પાલિકાના  સત્તાધીશો લોકોના પૈસા વેડફી  રહ્યા છે તેવો આક્ષેપ તેમણે કર્યો હતો. દરમ્યાન, એક અન્ય એજન્સીના પ્રતિનિધિ મુખ્ય અધિકારી, પ્રમુખ વગેરેને મળ્યા હતા. તેમને મૌખિક રીતે જે ભાવ છે તેના કરતાં 15 ટકા ઓછા ભાવમાં આ જ કામ કરી આપવા જણાવાયું હતું. સત્તામાં બહુમતીના જોરે સત્તાધીશો ગમે ત્યારે ગમે તેને કોન્ટ્રેક્ટ આપીને લોકોના પૈસાનું પાણી કરી રહ્યા છે, ત્યારે આ અંગે સઘન તપાસ કરવાની માંગ નીલેશ ભાનુશાલીએ જિલ્લા સમાહર્તા સહિતનાને પત્ર લખીને કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer