ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ 142 રને આગળ : વિન્ડિઝ ભીંસમાં

ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ 142 રને   આગળ : વિન્ડિઝ ભીંસમાં
સેંટ લૂસિયા તા.11: ઝડપી બોલર માર્ક વૂડસ અને સ્પિનર મોઇન અલીની શાનદાર બોલિંગની મદદથી પ્રવાસી ઇંગ્લેન્ડની ટીમે ત્રીજી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝ સામે 142 રનની સરસાઇ બનાવી લીધી છે. ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ઇંગ્લેન્ડની ટીમે તેના બીજા દાવમાં વિના વિકેટે 19 રન બનાવી લીધા હતા. મેચના ગઇકાલે બીજા દિવસે બન્ને ટીમની મળીને કુલ 16 વિકેટ પડી હતી. ઇંગ્લેન્ડની ટીમે બીજા દિવસે તેનો પહેલો દાવ 4 વિકેટે 231 રનથી આગળ વધાર્યો હતો અને પૂરી ટીમ તેમાં માત્ર 46 રનનો ઉમેરો કરીને લંચ પહેલાં જ 277 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. જેમાં બેન સ્ટોકસના 79 અને જોશ બટલરના 67 રન મુખ્ય હતા. વેસ્ટ ઇન્ડિઝ તરફથી કેમર રોચે 4 વિકેટ લીધી હતી. જયારે કીમો પોલ, શેનાન ગ્રેબિયલ અને અલઝારી જોસેફને બે-બે વિકેટ મળી હતી. આ પછી વેસ્ટ ઇન્ડિઝની ટીમ તેના પહેલા દાવમાં 1પ4 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આથી ઇંગ્લેન્ડની ટીમને 123 રનની નિર્ણાયક સરસાઇ મળી હતી. માર્ક વૂડે પાંચ અને મોઇન અલીએ 4 વિકેટ લીધી હતી. વેસ્ટ ઇન્ડિઝ તરફથી કેમ્પબેલે 41 અને ડોર્વિચે 38 રન કર્યાં હતા. એક સમયે વિન્ડિઝના વિના વિકેટે પ7 રન થયા હતા. આ પછી વધુ 97 રનમાં 10 વિકેટ પડી હતી. મેચના હજુ પૂરા ત્રણ દિવસ બાકી છે. આથી હાર-જીતનું પરિણામ નિશ્ચિત છે. ત્રણ મેચની શ્રેણી 0-2થી ગુમાવી ચૂકનાર ઇંગ્લેન્ડ માટે ત્રીજી અને આખરી ટેસ્ટ જીતવાની સારી તક છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer