હરિયાણાના ખૂંખાર લૂંટારુઓ માટે સ્થાનિક હજામ રેકી કરી લૂંટનું સ્થળ સૂચવતો હતો !

હરિયાણાના ખૂંખાર લૂંટારુઓ માટે સ્થાનિક  હજામ રેકી કરી લૂંટનું સ્થળ સૂચવતો હતો !
ગાંધીધામ, તા. 11 : આદિપુરમાં એ.ટી.એમ. પાસે સરાજાહેર રૂા. 34 લાખની લૂંટ ચલાવનાર તથા તેમને પકડવા ગયેલી પોલીસ ઉપર ફાયરિંગ કરનાર બે ખૂંખાર આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા. આ બંને આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. આદિપુરમાં ગત તા. 29/10ના રૂા. 34 લાખની લૂંટના બનાવને અંજામ આપનારા બે ખૂંખાર આરોપીઓને પકડી પાડયા બાદ પોલીસવડા પરીક્ષિતા રાઠોડે પત્રકાર પરિષદ બોલાવી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, આરોપીઓએ બનાવના દિવસે પોતાના મોબાઇલ રિન્કુ નામના શખ્સને આપી દીધા હતા. પોલીસે જુદા જુદા આધુનિક સાધનોથી શોધખોળ કર્યા છતાં આરોપી હાથમાં ન આવતાં બાતમીદારોને કામે લગાવાયા હતા. ગળપાદર પાછળ વરસામેડીની સીમમાં આવેલા હરિઓમનગરના મકાન નં. 415માં રિન્કુ નામનો શખ્સ રહેતો હતો અને શાંતિધામમાં નાઇની દુકાન ચલાવતો હતો. ક્યારેક ક્યારેક દુકાન ખોલતો આ શખ્સ આદિપુરના બનાવથી થોડા દિવસ અગાઉ ત્યાં નજીક જ ચા પીવા બેઠો હતો જ્યાં એ.ટી.એમ.માં પૈસા ભરવા આવેલી વેનને તે જોઇ ગયો હતો. બાદમાં તેણે સતત તેની રેકી કરી હતી. આ વેન શુક્રવારે અને સોમવારે બપોરે અચૂક આવતી હોવાનું તેણે જાણી લીધું હતું. આ શખ્સો ધર્મેન્દ્ર જાટ, રવીન્દ્ર તથા રાહુલ ગત તા. 26/10ના શુક્રવારે જ લૂંટના બનાવને અંજામ આપવાના હતા પરંતુ તે દિવસે કુદરતી પોલીસ વાન એ.ટી.એમ. પાસે આવીને ઊભું રહેતાં આરોપીઓના મનસુબા ઉપર પાણી ફરી ગયું હતું અને બાદમાં તા. 29/10ના આ બનાવને અંજામ અપાયો હતો. આ આરોપીઓએ રાહુલ, ધર્મેન્દ્ર, રવીન્દ્ર અને ત્રિલોક ચાર-પાંચ મહિના પહેલાં દિલ્હીમાં કર્નાલ બાયપાસ નજીક અર્ટિગા કારમાં મુસાફર તરીકે બેઠા હતા અને બાદમાં ચાલકને માર મારી તેની પાસેથી કારની લૂંટ ચલાવી હતી. આ જ કાર આદિપુરની લૂંટના બનાવમાં વાપરવામાં આવી હતી. આ ખૂંખાર ટોળકીએ દિલ્હીમાં જ એમેઝોન કંપનીમાં જઇ કર્મચારીઓને બંધક બનાવી કેસ કાઉન્ટરમાંથી રોકડા રૂા. 6,55,000ની લૂંટ ચલાવી હતી તથા લૂંટના બનાવ બાદ રાહુલ મુલકરાજ વિજ નામનો શખ્સ દિલ્હીમાં બંદૂક રાખવાના ગુનામાં પણ પકડાયો હતો. વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, અહીં સ્થાનિકે રિન્કુ સજનસિંઘ ધાનક નામનો શખ્સ રહેતો હતો અને રેકી કરી પોતાનું ટાર્ગેટ શોધી રાખતો. બાદમાં આ શખ્સોને અહીં બોલાવતો અને પોતે આ શખ્સોના મોબાઇલ લઇને હરિયાણા નીકળી જતો હતો. હાલમાં પણ આ શખ્સે ગાંધીધામના ધોરીમાર્ગ ઉપર આવેલી એક ફાયનાન્સ પેઢીને નિશાન બનાવી તેની રેકી કરી હતી અને ધર્મેન્દ્ર, રાહુલ, રવીન્દ્રને અહીં બોલાવી લીધા હતા તેમજ પોતે આ ત્રણેયના મોબાઇલ લઇને હરિયાણા નીકળી ગયો છે. આ ખૂંખાર શખ્સો વધુ એક લૂંટના બનાવને અંજામ આપે તે પહેલાં પોલીસે તેમને દબોચી લીધા હતા. પોલીસ ઉપર હુમલાના બનાવમાં પકડાયેલા રાહુલ અને ધર્મેન્દ્રને આજે કોર્ટમાં રજૂ કરાતાં તેમના 14 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. જ્યારે નાસી ગયેલા રિન્કુ અને રવીન્દ્રને પકડી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે. આદિપુરની લૂંટને અંજામ આપી રૂા. 1 લાખ રિન્કુ, રૂા. 15 લાખ રવીન્દ્ર, રૂા. 7 લાખ રાહુલ અને રૂા. 10 લાખ ધર્મેન્દ્ર લઇ ગયો હોવાનું પોલીસની તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું. ગઇકાલે સવારે ફિલ્મી ઢબે આરોપીઓને પકડી પાડવાની કામગીરીમાં એસ.ઓ.જી. પી.આઇ. જે.પી. જાડેજા, એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઇ. એમ.એસ. રાણા તેમજ એસ.ઓ.જી. એલ.સી.બી. એ-ડિવિઝન, અંજાર, આદિપુરનો સ્ટાફ સાથે જોડાયો હતો.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer