ભુજથી સફેદ રણ સુધી ટ્રાફિક-સુરક્ષાનો સંદેશો

ભુજથી સફેદ રણ સુધી ટ્રાફિક-સુરક્ષાનો સંદેશો
ભુજ, તા. 11 : દિવસો દિવસ વધતી જતી વાહનોની સંખ્યા અને અકસ્માતોને ધ્યાને લઈ લોકોમાં ટ્રાફિક અને સુરક્ષા અંગે જાગૃતિ આણવાના ઉદેશ સાથે આજે ભુજથી સફેદ રણ સુધી યોજાયેલી બાઈક રેલીમાં 50થી વધુ બાઈક ચાલકો જોડાયા હતા. એક સાથે નીકળેલા બાઈકચાલકોને નિહાળી લોકોમાં પણ રોમાંચ ફેલાયો હતો. ભુજ ખાતેથી શરૂ થયેલી બાઈક રેલીમાં જોડાયેલા રાઈડર્સ દ્વારા માર્ગમાં યુવાઓ તથા અન્યોને માર્ગ સલામતી અંગે સમજ આપવા સાથોસાથ હેલ્મેટનું મહત્ત્વ, હાઈવેપર ડ્રાઈવિંગ કેમ કરવું, સિગ્નલોને અનુસરવા સહિતના મુદ્દે માહિતગાર કરી માનવજીવનનું મૂલ્ય સમજાવ્યું હતું. દેશ-વિદેશમાં ખ્યાતિ પામેલા સફેદ રણને માણવા આવેલા પ્રવાસીઓને પણ સલામતી અંગે માર્ગદર્શન આપ્યું હતું. કચ્છની તમામ રોટરેક્ટ ક્લબના રોટરેક્ટ ડિસ્ટ્રીક્ટ 3054 ઝોન-2 દ્વારા કચ્છમિત્રના પ્રચાર સહયોગ સાથે યોજાયેલી હેલ્મેટ રાઈડને ભુજના રોટરી હોલથી પ્રારંભ કરાવાયો હતો. જેમાં ભુજ, માંડવી, ગાંધીધામ, મુંદરા, આદિપુર અને અંજારથી રોટરેક્ટ તેમજ નોન રોટરેક્ટએ ભાગ લીધો હતો. ઝોનના ઝેડઆરઆર સહેલી શાહ, પ્રો. ચેરમેન જય બાલાસરા, કો. પ્રો. ચેરમેન શૈલેશ માલી તેમજ રાઈડને લીડ કરવા માટે કચ્છના મહિલા બાઈક રાઈડર ટ્વિંકલબેન કાપડીએ સહયોગ આપ્યો હતો. આ રાઈડમાં ડિસ્ટ્રીક્ટના ડી.આર.આર. આયુષ શર્મા તથા રાજસ્થાન ઝોન-5ના ઝેડઆરએસ નિમિષા, ફતેહશાહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. સહેલી શાહ, જયભાઈ તેમજ શૈલેશભાઈએ સફેદ રણમાં ફરજ બજાવતા બીએસએફના જવાનોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, 2017માં શરૂ થયેલી આ હેલ્મેટ રાઈડ દર વર્ષે યોજવામાં આવશે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer