વિદ્યાસહાયકોને અન્યાય મુદ્દે શિક્ષકોના ધરણા

વિદ્યાસહાયકોને અન્યાય મુદ્દે શિક્ષકોના ધરણા
ભુજ તા. 11 : વર્ષ 1997થી અત્યાર સુધી ભરતી થયેલા તમામ બાલગુરુ તથા વિદ્યાસહાયકોની સળંગ નોકરી ગણી તેમને બઢતી, ઉચ્ચતર પગારધોરણ સહિતના મળવાપાત્ર લાભો આપવામાં આવે તેવી મુખ્ય માંગ સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર રાજ્યના તમામ જિલ્લામથકોએ આજે જિલ્લા સંઘો દ્વારા શિક્ષકોના એક દિવસના ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા આજે જિલ્લામથક ભુજ ખાતે એક દિવસીય ધરણા કાર્યક્રમ કલેકટર કચેરી પાસે યોજવામાં આવ્યો હતો. સવારના 11થી 4 કલાક સુધી યોજાયેલ  આ ધરણા કાર્યક્રમમાં જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મળીને 300થી વધારે પ્રાથમિક શિક્ષકોના નિર્ધારિત લક્ષ્યાંક સામે 408 જેટલા શિક્ષકો સ્વેચ્છાએ  જોડાયા હતા. શિક્ષકોની સભાને પ્રમુખ રામસંગજી જાડેજા, રાજ્યસંઘના ઉપપ્રમુખ હરાસિંહ જાડેજા, પૂર્વ શિક્ષક અગ્રણીઓ રશ્મિકાંત પંડયા, દિનેશ શાહ, દાનુભા જાડેજા, શોભના વ્યાસ વગેરેએ સંબોધી શિક્ષકોની એકતા તથા જુસ્સાને બિરદાવી આગામી 15 તારીખે યોજાનાર રાજ્યકક્ષાના ધરણા કાર્યક્રમમાં પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો હતો. શિક્ષકોના પ્રશ્ને છેવટ સુધી લડી લેવા નિર્ધાર વ્યક્ત કરાયો હતો. ધરણા સ્થળની માંડવી-મુંદરા વિસ્તારના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાએ મુલાકાત લીધી હતી. શિક્ષક સમાજના અગ્રણીઓએ તેમને આવેદનપત્ર આપી શિક્ષકોની માંગ સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરી હતી. તેમણે આ મુદ્દે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી હતી. આ સાથે કચ્છ - મોરબીના સાંસદ વિનોદ ચાવડા, રાજ્યમંત્રી વાસણભાઇ આહીર સહિત તમામ ધારાસભ્યોને પણ આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકોની સાથે કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ પણ કાળી પટ્ટી ધારણ કરી શાળામાં પોતાની ફરજ બજાવી હતી. પ્રાથમિક શિક્ષકોના ધરણાને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘે પણ ટેકો આપી ધરણાસ્થળની અશ્વિનાસિંહ વાઘેલા, પૃથ્વીરાજાસિંહ ઝાલા વગેરે આગેવાનોએ મુલાકાત લીધી હતી. તો બિનસરકારી માધ્યમિક શિક્ષક આગેવાન ત્રિકમ છાંગા, શ્રવણાસિંહ વાઘેલાએ પણ છાવણીની મુલાકાત લીધી હતી. ધરણા કાર્યક્રમમાં તમામ તાલુકા સંઘના પ્રમુખ, મહામંત્રી સહિત તાલુકા તથા જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા રશ્મિકાંત ઠક્કર, જિતેન્દ્ર ઠક્કર, હરદેવસિહ જાડેજા, ધર્મેન્દ્રાસિંહ જાડેજા, ભૂપેશ ગોસ્વામી, નયનાસિંહ જાડેજા, ઘનશ્યામાસિંહ જાડેજા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer