હસ્તકલા કસબીઓ કારોબારી બની શકે

હસ્તકલા કસબીઓ કારોબારી બની શકે
ભુજ, તા. 11 : હસ્તકલાના કસબી કારીગરો કારોબારી એટલે કે, ઉદ્યોગપતિ તેમજ નિકાસકાર પણ બની શકે છે, તેવી સમજણ કેન્દ્ર સરકારનાં વત્ર મંત્રાલય દ્વારા યોજત 100 દિવસના હસ્તકલા પ્રોત્સાહન કાર્યક્રમનાં સમાપન પ્રસંગે અપાઇ હતી. યુવા સાંસદ વિનોદ ચાવડાએ પ્રવૃત્તિને બિરદાવી હતી. કચ્છભરના 450થી વધુ હસ્તકલા કર્મીઓની સાથોસાથ તાજેતરમાં જ પદ્મશ્રીથી સન્માનીત નિરોણાના રોગાન કળાના કસબી અબ્દુલગફુર ખત્રીની ઉપસ્થિતિ વચ્ચે ભુજ હાટમાં યોજિત સમારોહમાં 180 કારીગરોને ઓળખપત્રોનું વિતરણ કરાયું હતું. આ અવસરે છ હસ્તકલા કર્મીને 3.5 લાખની મુદ્રા લોનનું વિતરણ કરવા સાથે તમામ કસબીનું સન્માન પણ કરાયું હતું અને ગ્રુપ પોલિસી અપાઇ હતી. એકસ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ હેન્ડીક્રાફટસના ક્રિષ્નાચંદરે કચ્છી કસબીઓને ઉદ્યોગ સાહસિક બનવાનું માર્ગદર્શન આપ્યું હતું. અંકલેશ્વરથી આવેલા ફુટવેર ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટના પંકજ તિવારીએ નિકાસની બજારની વર્તમાન સ્થિતિ અનુસાર ચર્મકલાના કસબીઓનું જૂથ કઇ રીતે રચી શકાય, તે સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. નિકાસના સલાહકાર રઇસ અહેમદે આઇસી કોડ અને આરઇ એક્સ નોંધણી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપ્યું હતું. સમારોહનાં સમાપનમાં હસ્તકલાના વિવિધ નમૂનાનાં જીવંત નિદર્શન અગ્રણીઓએ નિહાળ્યાં હતાં. નાયબ કલેકટર સિદ્ધાર્થ ગઢવી અને ડીઆરડીએના ડાયરેકટર એમ. કે. જોશીએ સફળ આયોજન તેમજ ગ્રામીણ હસ્તકલા કર્મીઓને પ્રોત્સાહનની પહેલને વધાવી હતી. ભુજ સ્થિત હસ્તકલા સેવા કેન્દ્રના સહાયક નિયામક રવિવીર ચૌધરીએ આભારવિધિ કરી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer