મેહુલ પાર્ક સોસાયટી પાયાની સુવિધાથી વંચિત

મેહુલ પાર્ક સોસાયટી પાયાની સુવિધાથી વંચિત
ભુજ, તા. 11 : શહેરમાં શનિદેવ મંદિર નજીક મેહુલ પાર્કમાં લાઇટ, ગટર અને પાણી મુદ્દે રહેવાસીઓ પરેશાની ભોગવી રહ્યા છે. રોડલાઇટ ન હોવાથી મહિલાઓને સાંજે અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે અને ગટરનાં જોડાણ મુખ્ય લાઇન સુધી ન અપાતાં પરેશાની ભોગવવી પડી રહી છે. ભુજમાં કોવઇનગર નજીક આવેલા મેહુલ પાર્કમાં માળખાગત સુવિધાનો અભાવ હોવાનું સ્થળ નિરીક્ષણે રહેવાસીઓએ જણાવ્યું હતું. આ વસાહતમાં 130 આસપાસ રહેણાક અને અંદાજે 500થી 600 લોકો રહે છે. જેમને 15 દિવસે અને તે પણ ઓછા દબાણે પાણી વિતરણ કરાતું હોવાથી રહેવાસીઓને મોંઘા ભાડે ટેન્કર ખરીદવા પડે છે. રોડલાઇટની સુવિધા અપાઇ ન હોવાથી સાંજ પડતાં જ આ વિસ્તાર અંધારામાં ગરકાવ થઇ જાય છે અને અહીં આવવા-જવામાં મહિલાઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ભુજમાં ચીલઝડપ જેવા બનાવો તથા અસામાજિક પ્રવૃત્તિઓ વધી છે ત્યારે લાઇટના અભાવે અહીંના રહેવાસીઓ સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આ વિસ્તારમાં ગટરનાં જોડાણો મુખ્ય લાઇન સુધી નથી અપાયાં અને મોટાભાગનાં મકાનોને સોસ ખાડા કરી અપાયા છે. જોકે, એક વાત એવી પણ જાણવા મળી છે કે મૂળભૂત સુવિધા આપવી, મકાનથી પાણી, ગટરનાં જોડાણો નગરપાલિકાની મુખ્ય લાઇન સુધી પહોંચાડવા અને આંતરિક રસ્તા બનાવી આપવા એ જે-તે બિલ્ડરની જવાબદારીમાં આવે, સાથોસાથ લોકોનો જ્યાં વસવાટ હોય ત્યાં લાઇટ, પાણી, માર્ગ અને ગટરની સુવિધા આપવાની નગરપાલિકાની પણ જવાબદારી છે. અલબત્ત આ સોસાયટીમાં માત્ર 30 મકાનો જ સુધરાઈના ચોપડે ચડત હોવાનું જાણવા મળ્યું હતું જેથી લોકોએ પણ મિલકત અંગે નોંધ કરાવવી જરૂરી છે, જેથી લોકોની સંખ્યા મુજબ સુવિધા પહોંચાડી શકાય તેવું સુધરાઇના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. મેહુલ પાર્કમાં હજુ વિકાસ ચાલી રહ્યો છે અને અનેક મકાનો નવા બની રહ્યાં છે, ત્યારે લાઇટ અને નિયમિત પાણીની સુવિધા અપાય તો લોકોની મુશ્કેલી ઘટે તેવું સોનિયા ઠક્કર, મોહન વાઘેલા, જયેન્દ્રાસિંહ પરમાર, વિશાલાસિંહ જાડેજા, શક્તાસિંહ ઝાલા, પ્રકાશભાઇ પટેલ, દિલીપભાઇ આશર, આર.એસ. જાદવ વિ. રહેવાસીઓએ જણાવ્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer