સોનોગ્રાફીથી ચોક્કસ ભાગ ખોટો કરવા નસમાં ઇન્જેકશન આપવાથી આડ અસર ઘટે

સોનોગ્રાફીથી ચોક્કસ ભાગ ખોટો કરવા  નસમાં ઇન્જેકશન આપવાથી આડ અસર ઘટે
ભુજ, તા. 11 : શત્રક્રિયા માટે સોનોગ્રાફીની મદદથી ઇન્જેકશન આપી શરીરના ચોક્કસ ભાગને ખોટો કરવા અંગે એનેસ્થેટિક ડોકટરો માટે રવિવારે ગેઇમ્સ જી.કે. જનરલ હોસ્પિટલમાં વર્કશોપ યોજાયો હતો જેમાં અમદાવાદની એલ.જી. હોસ્પિટલનાં આસિ. પ્રો. ડો. વિધિ ગજ્જરે આ ટેકનિકનું નિદર્શન સાથે માર્ગદર્શન આપ્યું હતું. હોસ્પિટલનાં ઓપરેશન થિયેટર વિભાગમાં યોજાયેલા આ વર્કશોપમાં ડો. ગજ્જરે નવી સોનાગ્રાફી ટેકનિક અંગે સમજૂતી આપતાં કહ્યું કે, એક જમાનો હતો કે, દર્દી ઉપર શત્રક્રિયા કરવી હોય ત્યારે તેને બેભાન કરવો પડતો હવે આધુનિક યુગમાં સોનોગ્રાફી મશીન આવી ગયું હોવાથી શત્રક્રિયા માટે નિયત ભાગની નસમાં સોનોગ્રાફીથી ઇન્જેકશન આપી ખોટો કરી શકાય છે. આ નવી પદ્ધતિના ફાયદાની માહિતી આપતાં જણાવ્યું કે, આ ટેકનિકથી દવાનો ડોઝ ઓછો આપવો પડે છે પરિણામે આડઅસરનું પ્રમાણ ઘટી જાય છે. ઉપરાંત બીજો મોટો ફાયદો એ છે કે, ઓપરેશન પછી થતા દુ:ખાવામાં ઇન્જેકશન આપી શકાય છે. આ પ્રસંગે મેડિકલ ડાયરેકટર ડો. જ્ઞાનેશ્વર રાવે સ્વાગત કરી ડો. વિધિ ગજ્જરને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું. એનેસ્થેટિક વિભાગના વડા ડો.રામનંદન પ્રસાદ ઉપસ્થિત રહ્યા હતા. મેડિકલ પરિભાષામાં આ પદ્ધતિને યુ.એસ.જી. ગાઇડેડ નર્વબ્લોકસ કહે છે. ડો. ગજ્જરે અલગ અલગ પ્રકારથી આપી શકાતા નર્વબ્લોકસ વિષે નિદર્શન કર્યું હતું. આ શિબિરમાં એનેસ્થેસિયા, સર્જરી તથા ઓર્થોપેડિક વિભાગના તમામ ડોકટરોએ ભાગ લીધો હતો.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer