જુહુ બીચના મોર્નિંગ વોકર્સને દરરોજ ચાની ચૂસકીની મોજ

જુહુ બીચના મોર્નિંગ વોકર્સને  દરરોજ ચાની ચૂસકીની મોજ
કનૈયાલાલ જોશી તરફથી મુંબઈ, તા. 11 : જુહુ બીચ વહેલી સવારે જાગી ઊઠે છે. દરિયા કિનારા વિસ્તારમાં ઠંડી લહેરખીવાળી ખુલ્લી હવામાં ફરો અને સ્વસ્થ રહો એવા વિચાર સાથે અનેક લોકો મોર્નિંગ વોક કરવા આવે છે. તેમાંય તુલિપ સ્ટાર હોટેલની પાછળના સમુદ્ર કિનારા પાસે તો કંઈક નોખો માહોલ સર્જાય છે. વહેલી સવારે ટેબલ-બાંકડા લાગે છે. ચાની ચૂસકી સાથે લોકો નાસ્તાની મજા માણે છે. એ પછી વોક કરવા નીકળે છે. અંદાજે જુદાં-જુદાં ગ્રુપના 40-50 જણ ભેગા મળીને જલસો કરે છે. આ બધી સવારની મોજમસ્તીનું મુખ્ય બળ એક 88 વર્ષના વડીલ છે, જેઓ ચાલી નથી શકતા અને વ્હીલચેર પર આવે છે. એ છે હેમેન્દ્રભાઈ ભટ્ટ. આ હેમેન્દ્રભાઈ પોતાના ઘરેથી ચા બનાવડાવીને લાવે છે. પોતાના હાથે બધા મિત્રોને ચા પાય છે. સવારના 5.10 વાગ્યે અચૂક પહોંચી આવે છે. એકેય દિવસ ન આવે એવું બનતું નથી. એમના આવવાના સમયમાં પણ ફરક પડતો નથી. એમની યાદશક્તિ તેજ છે. બધાને નામથી બોલાવે અને ચાનો કપ હાથમાં આપે. ખરેખર, હેમેન્દ્રભાઈ આવે એ પછી ખુશીનો માહોલ બની જાય છે. હેમેન્દ્રભાઈ સાથે વાત કરતાં એમણે કહ્યું, હું 1978થી જુહુ દરિયા કિનારે વોક કરવા આવું છું. સવારના સવા પાંચ કિલોમીટર નિયમિત ચાલતો. ઘૂંટણની તકલીફ થઈ એ પછી ચાલવાનું બંધ કર્યું. પહેલાં દર બુધવારે ચા પિવડાવતો. ત્યારે અમારું દશ જણનું ગ્રુપ હતું. એ પછી 12 રાજસ્થાની ભાઈ જોડાયા. પછી બીજા ગ્રુપ ઉમેરાતાં ગયાં. રોજ ચા લાવવાનું શરૂ કર્યું. મારો ટાઈમ નક્કી જ છે. સવારના 5 ને 10 મિનિટે પહોંચું જ. વરસમાં 364 દિવસ ચા પાઉં. દિવાળી પછી છઠ્ઠના દિવસે બીચ પર કાર્યક્રમ યોજાય છે એટલે એ દિવસે ખાડો પડે છે.સવારના 4 વાગ્યે ઊઠવાનું. એ પછી મારાં પત્ની ચા બનાવી આપે. સ્ટીલની કીટલી ભરીને લઈ જાઉં. સાથે બિસ્કિટ ખરાં. ઓપેરા હાઉસમાં મારો સ્પેરપાર્ટ્સનો ધંધો. 2006માં નિવૃત્તિ લીધી. હવે દીકરો સંભાળે છે. દિનેશ શાહ (ડેઝર્ટ જંક્શન)એ કહ્યું કે, મોર્નિંગ વોકરમાં ઉદ્યોગપતિ, ડોક્ટર, સીએ, વેપારી વગેરે છે. 40-50 જણ ભેગા મળીને ચા-નાસ્તો કરીએ. કોઈનો જન્મદિવસ હોય તો તેની ઉજવણી કરીએ. મોર્નિંગ વોકર ગ્રુપમાં વીરેન્દ્રભાઈ (સીએ) 94 વર્ષના છે. બાકીના 45-50ની વયના છે. હેમેન્દ્રકાકા બીમાર પડ્યા અને ચાર દિવસ હોસ્પિટલમાં હતા ત્યારે સોપો પડી ગયો હતો. એ સિવાય દરરોજ ચા લઈને આવે જ.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer