ગુમ થયેલા પતિનું 15 વર્ષે પત્ની સાથે થયું પુનર્મિલન

ગુમ થયેલા પતિનું 15 વર્ષે  પત્ની સાથે થયું પુનર્મિલન
ભુજ, તા. 11 : બિહારના સમસ્તીપુર જિલ્લાના બરાડી ગામના 41 વર્ષીય પરિણીત યુવાનનું ગુમ થયા બાદ 15 વર્ષે પત્ની સાથે પુનર્મિલન થતાં પરિવારમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. બિહારનો મોહન નામનો આ યુવાન અચાનક ગુમ થઈ જતાં તેના પરિવાર દ્વારા ભારત તથા નેપાળ સહિતના વિવિધ સ્થળોએ તેની શોધ ચલાવાઈ હતી તથા 2003માં તેની પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. તેમ છતાં 15 વર્ષથી તેનો પતો ન લાગતાં પરિવારજનો તથા ગામલોકોએ તેની અંતિમક્રિયા કરવાનો પણ નિર્ણય લીધો હતો, તે દરમ્યાન આ યુવક બે માસ પહેલાં માંડવીના દરિયાકિનારેથી મળી આવ્યો હતો જેને માનવજ્યોતના પ્રબોધ મુનવર તેને ભુજ લઈ આવી રામદેવ સેવાશ્રમ પાલારા ખાતે રાખ્યો હતો. જ્યાં માનસિક રોગના ડો. મહેશ ટિલવાણી દ્વારા તેની સારવાર કરવામાં આવતાં તે સ્વસ્થ બન્યો હતો અને તેના પરિવારની શોધ ચલાવાઈ હતી જેમાં સંસ્થાના રીતુબેન વર્મા અને ગુલાબભાઈ મોતાએ રામપર પોલીસ સ્ટેશનને જાણ કરી પત્ની રાજકુમાર, પુત્ર લાલન અને અરવિંદ તથા પુત્રી અનિતા સાથે પુનર્મિલન કરાવ્યું હતું. રામદેવ સેવાશ્રમ ખાતે 15 વર્ષે પરિવારનું પુનર્મિલન થતાં લાગણી ભીનાં દૃશ્યો સર્જાયાં હતાં. આ કાર્યમાં વાલજી કોલી, હિતેશ ગોસ્વામી, પ્રતાપ ઠક્કરે સહયોગ આપ્યો હતો.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer