મોટા કપાયા વડ પાસેની આગમાં કંઇક રંધાયું !

મોટા કપાયા વડ પાસેની આગમાં કંઇક રંધાયું !
મુંદરા, તા. 11 : તાલુકાનાં મોટા કપાયા ગામ નજીકના વડ પાસે લાગેલી આગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે... તેમ તા. 27/1ના સાંજે લાગેલી આગ આજ સુધી ચાલુ છે. એટલે કે 16થી 17 દિવસ સુધી આગ ચાલુ રહેવા પામી છે. શરૂઆતમાં અગ્નિશામક દળોએ આગને કાબૂમાં લઇ લીધી હોવાનો દાવો કર્યો પરંતુ આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દિવસોથી ચાલુ રહેવા પામ્યા છે. ભંગારના વાડામાં લાગેલી આ આગ અતિજ્વલનશીલ પદાર્થને જાહેરમાં બાળી નાખવા માટેનું એક વ્યવસ્થિત ષડયંત્ર હોવાનું સૂત્રો જણાવે છે. મોટા કપાયાના જવાબદાર સૂત્રો જણાવે છે કે, ડિસેમ્બરમાં જે ઝડપથી એન.એ. થયેલી આ જમીનને સાફ કરીને રાતોરાત પ્લાસ્ટિકનો વેસ્ટ, કેરબા, પીપ વગેરે ખડકી દેવામાં આવ્યા અને ત્રણ-ચાર દિવસ સુધી ખાટલો ઢાળીને એક ચોકીદાર પણ બેઠો, ત્યારે જ શંકા ઊભી થઇ હતી કે આ ભંગારનો વાડો માત્ર?ભંગારના સંગ્રહ માટે નથી બની રહ્યો... અને લોકોની શંકાને સમર્થન આપતી ઘટના એ બની કે તા. 27ની સાંજે જોરદાર આગ લાગી. આગ લાગી ત્યારે ત્યાં કોઇ જવાબદાર તો ઠીક પણ ચોકીદાર પણ હાજર ન હતો. કોઇએ અગ્નિશમનને બોલાવ્યા અને મોટાભાગની આગને ઠારી નાખવામાં આવી. સમગ્ર કારસ્તાન માત્ર વીમો પકવવા માટેનું હોય એમ જણાતું નથી. અતિજ્વલનશીલ રસાયણના નાશ?માટેનું અને કોઇક ગેરરીતિનો નાશ કરવાનું હોઇ?શકે તેવી દહેશત વ્યક્ત કરતાં સૂત્રો આક્ષેપ કરે છે કે, આગ લગાડવાની મોટી રકમ ચૂકવાઇ?છે. આગમાં કોઇ?જાનહાનિ નથી તેમ પ્લાસ્ટિકનો વેસ્ટ બળી ગયો તેવું ઉપર ઉપરથી લાગે છે. પરંતુ આગ લગાડવા પાછળનો હેતુ કાંઇક જુદો જ છે. આગની ઘટનાને નજરે જોનારાઓનું કહેવું છે કે, પ્લાસ્ટિક બળવાના ધુમાડા કરતાં કાંઇક જુદા જ પ્રકારના ધુમાડા અને વિચિત્ર?વાસ પણ?વાતાવરણમાં ફેલાયેલી હતી. ભંગારનો વાડો કોણે બનાવ્યો એની ખબર પડતી નથી. આગની ઘટનાની છાનબીન દરમ્યાન ઠેકઠેકાણે ઊભા થયેલા વાડાની વાત કરતાં સૂત્રો જણાવે છે કે, ભંગારના વાડામાં ખડકેલા કેરબા, ડ્રમ વગેરે કયા પ્રવાહીથી ભરેલા પડયા છે એની ખબર પડતી નથી... પ્લાસ્ટિકનો ખૂબ મોટો જથ્થો પડયો હોય છે અને ભંગારના વાડાની સંખ્યા દિવસોદિવસ વધતી જાય છે. ભંગારના વાડાઓની ગતિવિધિ શંકાના દાયરામાં છે. 15-15 દિવસ સુધી ખુલ્લી જમીન ઉપર લાગેલી આગ ઓલવાય નહીં તો શું માનવું ? તે પ્રશ્ન સાથે સૂત્રો એમ જણાવે છે કે ભંગારના વાડાનું રજિસ્ટ્રેશન જે તે ગ્રામ પંચાયતમાં થાય તો તેના માલિકની ખબર પડે. ગુંદાલાના એક એન.એ. થયેલા સર્વે નંબરવાળા પ્લોટો ઉપર ભંગારના વાડા બની ગયા છે તેમ પ્લોટધારકને તેની જાણ સુદ્ધાં નથી. ભંગારવાળા ધરાર કોઇની બિનખેતી જમીન ઉપર આવીને બેસી ગયા છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer