સ્વાઇન ફ્લુ માટે જી.કે. જનરલમાં 42 બેડ

ભુજ, તા. 11 : સ્વાઇન ફ્લુના દર્દીઓ માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં 42 બેડ છે જે હજુ વધારી શકાય તેવી માહિતી જિલ્લાની રેપિડ રિસ્પોન્સ ટીમ અને સ્વાઇન ફ્લુ રોગચાળા નિયંત્રણ માટેના અધિકારીઓની બેઠકમાં અપાઇ હતી. કચ્છમાં રાજ્યના પ્રમાણમાં સ્વાઇન ફ્લુના વધારે પ્રમાણને પગલે ગત સપ્તાહે ધસી આવેલા સ્વાઇન ફ્લુના રાજ્યના નોડલ ઓફિસર ડો. કમલેશ ઉપાધ્યાયે રિવ્યુ બેઠકમાં દર અઠવાડિયે આરોગ્ય તંત્રની સંકલિત બેઠક યોજી યુદ્ધનાં ધોરણે કામગીરી કરવા સૂચના આપી હતી. આ મહત્ત્વના નિર્ણયના અનુસંધાને મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા શુક્રવાર તા. 8ના સિવિલ સર્જનની કચેરીમાં બેઠક યોજાઇ હતી તેવું સી.ડી.એમ.ઓ. ડો. કશ્યપ બૂચે જણાવ્યું હતું. બેઠકમાં ઉપલબ્ધ સાધનોની અપાયેલી વિગતોમાં જણાવાયું હતું કે, છ?બેડ?શંકાસ્પદ દર્દીઓ માટે, છ બેડ પોઝિટિવ-ગંભીર હાલતવાળા માટે જ્યારે 30 સ્ટેબલ દર્દીઓ માટે રખાઇ છે તેવું જી.કે. જનરલ હોસ્પિટલના સ્વાઇન ફ્લુના નોડલ ઓફિસર ડો. દીપક બલદાણિયાએ જણાવ્યું હતું. આ ઉપરાંત ચકાસાયેલી વિગતોમાં સ્વાઇન ફ્લુ માટેના અલાયદા વોર્ડમાં ઓક્સિજનની સેન્ટ્રલ લાઇન છે, કૃત્રિમ શ્વાસોચ્છવાસ માટેના ચાર વેન્ટીલેટર, ચાર બાયપેપ મશીન છે, કાર્ડિયોગ્રામ કાઢવા ઇસીજી મશીન, ડી ફ્ઁબ્રીલેટર, પોર્ટેબલ એક્સ-રે મશીન, પોર્ટેબલ સોનોગ્રાફી મશીન, દર્દીના ગળામાં પાણી ભરાઇ ગયું હોય તો તે કાઢવા સક્શન મશીન જેવા જરૂરી ઉપકરણો ઉપરાંત દવા અને ઇન્જેક્શનો તેમજ સ્વાઇન ફ્લુથી મૃત્યુ પામનારા દર્દીના મૃતદેહને પેક કરવા પ્લાસ્ટિક પેકિંગ છે. સિવિલ સર્જન ડો. બૂચે જણાવ્યું હતું કે, આ બેઠકમાં સીડીએચઓ ડો. પાંડે, ઇ.એમ.ઓ. ડો. કુર્મી, બાળરોગ નિષ્ણાત ડો. હસમુખ ચૌહાણ, પ્રિવેન્ટીવ એન્ડ સોશિયલ મેડિસીનના વડા ડો. રોકડે, એનેસ્થેસિયા વિભાગના વડા ડો. પ્રસાદ, માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડો. કૃપાલીબેન ગઢવી અને ડો. હિતેશ આસુદાણી હાજર રહ્યા હતા. રવિવારે બે કેસ વધતાં આંક 106 કચ્છમાં સ્વાઇન ફ્લુએ સોમવારે શાંતિ રાખી હતી પણ રવિવારે બે દર્દીઓ જેમાં લોડાઇના ત્રણ માસના બાળકને અને વડવાળાના 55 વર્ષીય મહિલાને ભુજની ખાનગી હોસ્પિટલોમાં સારવાર અપાઇ રહી છે. કચ્છ સહિતની 19 હોસ્પિટલોમાં સારવાર સ્વાઇન ફ્લુના દર્દીઓએ કચ્છ ઉપરાંત રાજકોટ અને અમદાવાદમાં સારવાર લીધી છે, જેમાં જી.કે. જનરલ ઉપરાંત ભુજની 10 ખાનગી, ચાર અમદાવાદની, બે રાજકોટની, એક ગાંધીધામ અને એક આદિપુરની હોસ્પિટલમાં સારવાર લીધી છે. મૃત્યુ પામનારા આઠ દર્દીઓમાં ચાર જી.કે. જનરલમાં અને ત્રણ ભુજની બે ખાનગી હોસ્પિટલમાં અને એક દર્દી અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે. ખાનગી 14 દવાની દુકાનોમાં 3014 કેપ્સ્યુલ અને 55 સીરપ સ્વાઇન ફ્લુની ગોળીઓ અને સીરપ વેચવાની ખાનગી દવાની દુકાનોને મંજૂરી અપાયા બાદ કચ્છમાં પણ ઉપલબ્ધ થઇ રહી છે. તા. 29 જાન્યુ. સુધીની પ્રાપ્ત વિગતો મુજબ 14 દવાની દુકાનો ઉપર 3014 ગોળીઓમાંથી 187 વેચાઇ હતી જ્યારે 55 સીરપમાંથી ત્રણ વેચાઇ હતી. ભુજમાં પાંચ, ગાંધીધામમાં એક, મુંદરામાં પાંચ, અંજારમાં એક, માંડવીમાં એક, ભચાઉમાં એક અને રાપરમાં એક દુકાનેથી છૂટક વેચાણ થાય છે. મૃતકોમાં આઠમાંથી ભુજ તાલુકાના પાંચ સ્વાઇન ફ્લુથી કચ્છના આઠ દર્દીઓના મૃત્યુ થયા તેમાંથી પાંચ તો ભુજ તાલુકાના છે, જેમાં માધાપરના ત્રણ, કોટડા (જ.) તા. નખત્રાણા, નાના કપાયા (તા. મુંદરા) અને જંગી (તા. ભચાઉ)ના એક દર્દીનો મૃતકમાં સમાવેશ થાય છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer