વાવાઝોડાથી બચવા ભારે વીજ લાઇનો ભૂર્ગભમાંથી નીકળશે

ભુજ, તા. 11 : 1999ના કંડલાના વાવાઝોડાની તબાહી સમગ્ર કચ્છમાં જોવા મળી હતી પરંતુ કંડલા બંદરની નજીક આવેલા જોડિયા શહેર ગાંધીધામ અને આદિપુરને વાવાઝોડાની ભવિષ્યમાં કયારેક અસર પહોંચી શકે છે તેવા આશય સાથે વીજ માળખાની મોટાભાગની લાઇનો ભૂગર્ભમાં પાથરવાનો નિર્ણય લેવાયો છે. જેની પાછળ રૂા. 161 કરોડ ખર્ચવામાં આવશે તો કચ્છમાં સૌથી પહેલાં અન્ડર ગ્રાઉન્ડ વીજ લાઈનો ભુજમાં પાથરવામાં આવી છે. લગભગ 22.5 કિ.મી. વીજ રેષા જમીનમાં નાખી દેવામાં આવ્યા છે. ભારત સરકારની યોજનામાંથી પશ્ચિમ ગુજરાત વીજ કંપની હેઠળના શહેરોમાં વીજ પ્રવાહ અન્ડર ગ્રાઉન્ડ વીજ લાઈનોમાંથી આપવાનું આયોજન ગોઠવાયું છે. જેના ભાગરૂપે ભુજનો અમુક વિસ્તાર જોડી દેવાયો છે તો બીજા શહેરોને પણ જોડી દેવાની યોજનાને પરવાનગી આપવામાં આવી છે. ગાંધીધામ અને આદિપુર શહેર અંજાર સર્કલ હેઠળ આવતા હોવાથી અંજાર સર્કલ પી.જી.વી.સી.એલ.ના અધીક્ષક આર. ડી. મેઘાણીને પૂછતાં તેમણે સમર્થન આપતાં જણાવ્યું કે ગાંધીધામ અને આદિપુર બન્ને શહેરમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલ પાથરવાના કામના ટુંક સમયમાં જ ટેન્ડર બહાર પડશે. આ બન્ને શહેરને અડીને મહાબંદર કંડલા આવેલું હોવાથી 1999ના વાવાઝોડાના કારણે સૌથી મોટી અસર વીજતંત્રને પડી હતી. અનેક થાંભલા, મોટા ટાવર તથા વાયરો તહસ-નહસ થઇ ગયા હતા. દિવસો સુધી વીજ પુરવઠો ખોરવાયેલો રહ્યો હતો અને આ વાવાઝોડાને લીધે સમગ્ર કચ્છમાં ગંભીર અસર પહોંચી હતી. રૂા. 161 કરોડના ખર્ચે બન્ને શહેરોમાં અન્ડર ગ્રાઉન્ડ વીજ કેબલ પાથરવામાં આવશે. જેના કારણે 26 ફીડર હેઠળ જોડાયેલા વીજ ગ્રાહકોને ભૂગર્ભમાંથી વીજ પુરવઠો પ્રાપ્ત થશે. તેમના જણાવ્યા પ્રમાણે ભોરે વીજ પ્રવહનવાળી લાઇન 173 કિ.મી. અને હળવા દબાણવાળી લાઇનના કેબલ 371 કિ.મી. જમીનમાં દાટવામાં આવશે. અંદાજિત 62000 ગ્રાહકોને ક્ષતિ રહિત વીજ પુરવઠો મળશે તેવું અયોજન ગોઠવવામાં આવી રહ્યાનું શ્રી મેઘાણીએ જણાવ્યું હતું. ભુજ શહેરની વાત કરીએ તો કચ્છમાં સૌથી પહેલાં ભુજમાં અન્ડર ગ્રાઉન્ડ વીજ કેબલ પાથરવાની શરૂઆત કરવામાં આવી હતી. ભારે વીજ પ્રવહન ધરાવતી 11 કે.વી.એ.ની વીજ લાઇનના જે થાંભલા પરથી રેષા પસાર થાય છે તેને જમીનમાંથી અદ્યતન ટેકનોલોજી સાથે પાથરવામાં આવ્યા હોવાનું સર્કલના અધીક્ષક બી. પી. જોષીએ જણાવ્યું હતું. જે તે સમયે ભુજ શહેર માટે રૂા. 25 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. 22.5 કિલોમીટરની વીજ લાઇન અન્ડર ગ્રાઉન્ડ કરવાની હોવાથી તમામ લાઇનો ભૂગર્ભમાં તો પથરાઇ ગઇ છે જેમાંથી પાંચ વીજ ફીડર આઇ.ટી.આઇ., લાલન કોલેજ, સરપટ ગેટ, ટાઉનહોલ, વાણિયાવાડ આ તમામ ફીડર અન્ડર ગ્રાઉન્ડ થઇ ગયા છે એમ તેમણે જણાવ્યું હતું. મંજૂર થયેલી લાઇનનું કામ પૂર્ણ થઇ ચૂકયું છે. પરંતુ હજુ પાંચ કિ.મી. સુધીની લાઇનમાં વીજ પુરવઠો આપવાનું કામ બાકી છે. અંદાજિત 15 હજારથી વધારે શહેરના વીજ ગ્રાહકોને ભૂગર્ભ વીજળી મળતી થઇ ગઇ છે. આવનારા દિવસોમાં નવી લાઈન માટે મંજૂરી મળી શકે છે અને જો સો ટકા ભુજને ભૂગર્ભ કેબલથી જોડવું હોય તો 60 કિ.મી. વિસ્તારમાં કેબલ પાથરવો પડે તેમ છે તેવું શ્રી જોષીએ ઉમેર્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer