અમેરિકા બેઠેલા છબીલ પટેલે ચકચારી હત્યા મુદ્દે એક મહિને ઓડિયો ક્લિપ વાયરલ કરી

અમદાવાદ, તા. 11 (અમારા પ્રતિનિધિ તરફથી) : કચ્છ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાળીની એક મહિના પહેલાં ટ્રેનમાં હત્યા થઇ હતી. આ મામલે ભાનુશાળી પરિવાર દ્વારા અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી સહિતના સાગરીતો તરફ શંકા વ્યક્ત કરાઇ છે. બાદમાં ખાસ તપાસ પંચે હત્યામાં છબીલ પટેલ અને મનીષાનો હાથ હોવાનો ઘટસ્ફોટ કરી બે આરોપીની ધરપકડ પણ કરી હતી, પરંતુ પોલીસ તપાસ તેના કરતાં આગળ વધી શકી નથી. આ દરમિયાન અમેરિકામાં રહેલા છબીલ પટેલની એક ઓડિયો ક્લિપ વાયરલ થતાં કેસ ફરી ચર્ચામાં ગાજ્યો છે. છબીલદાસ પટેલ જયંતી ભાનુશાળીની હત્યા સાથે પોતાનો કોઇ પ્રકારનો સંબંધ હોવાની વાત નકારતા હોવાનું ઓડિયોમાં કહે છે. જો કે આ ઓડિયો ક્લિપની સત્યતા માટે સત્તાવાર કોઇ પુષ્ટિ નથી મળતી. જાણવા પ્રમાણે છબીલ પટેલ ઓડિયો ક્લિપમાં દાવો કરે છે કે તેઓ અમેરિકા ધંધાના કામે આવ્યા બાદ ભાનુશાળીની હત્યા થઇ હતી, પણ તેમને જાણકારી મળી કે ફરિયાદમાં તેમનાં નામનો ઉલ્લેખ છે. આ એક તેમની સામેનું કાવતરું હોવાનું તેઓ માની રહ્યા છે. છબીલ પટેલ ગુજરાત પોલીસમાં પોતાને વિશ્વાસ હોવાનો દાવો કરતાં જણાવે છે કે, તેઓ તેમની બિઝનેસ મિટિંગ પૂરી થતાં ભારત પાછા ફરે ત્યારે તેમને જીવનું જોખમ હોવાને કારણે તેમને પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવે તેવી તેમની માગણી છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer