પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસે પાડેલા દારૂના ત્રણ દરોડા

પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસે પાડેલા દારૂના ત્રણ દરોડા
ગાંધીધામ, તા. 11 : પશ્ચિમ અને પૂર્વ કચ્છ પોલીસે દારૂ સંબંધી જુદા જુદા ત્રણ દરોડા પાડી રૂા. 38,540નો શરાબ જપ્ત કર્યો હતો. પશ્ચિમ કચ્છ પોલીસે બે શખ્સની ધરપકડ કરી હતી, જ્યારે પૂર્વમાં આડેસર પોલીસના બે દરોડામાં એકેય આરોપી હાથમાં આવ્યો ન હતો. પશ્ચિમ કચ્છ સ્થાનિક ગુનાશોધક શાખાએ મોખાના મનીષ નારાણ આહીર તથા હિરેન છગન છેડા નામના શખ્સોની ધરપકડ કરી હતી. આ બંને શખ્સો ઝાયલો ગાડી નંબર જી.જે. 03 સી.આર. 1585માં શરાબ ભરીને મુંદરા તા.ના રતડિયા ગામ બાજુ જવાના કાચા રસ્તેથી નીકળનાર હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી. દરમ્યાન, પોલીસે અહીં વોચ ગોઠવી હતી. આ વાહન ત્યાંથી પસાર થતાં તેની તલાશી લેવામાં આવી હતી. દરમ્યાન, આ ગાડીમાંથી પાર્ટી સ્પેશિયલ ડિલક્ષ વિસ્કીની 750 એમ.એલ.ની 84 બોટલ કિંમત રૂા. 29,400નો શરાબ જપ્ત કરી આ બંનેની અટક કરાઇ હતી. આ શખ્સો પાસેથી રૂા. ત્રણ લાખની કાર પણ હસ્તગત કરવામાં આવી હતી. આ બંને ક્યાંથી દારૂ લાવ્યા હતા અને ક્યાં આપવા જવાના હતા તેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. બીજી બાજુ રાપરના વેકરા વાડી વિસ્તારમાં પોલીસે છાપો માર્યો હતો, પરંતુ રામા વેલા ભરવાડ પોલીસના હાથમાં આવ્યો ન હતો. તેની વાડીમાં દાટેલી નવ બોટલ તથા 16 ક્વાર્ટરિયા રૂા. 5290નો શરાબ હાલમાં કબ્જે લેવાયો હતો. વધુ એક દરોડો રાપરના જ મોડી વાડી વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો પરંતુ અહીં પણ રાયશી ઉર્ફે રમેશ વેલા કોળી પોલીસને હાજર નહોતો મળ્યો. તેની વાડીના ઝૂંપડામાંથી 11 બોટલ કિંમત રૂા. 3850નો દારૂ?જપ્ત કરાયો હતો.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer