ગુર્જર આંદોલનને લઈને રેલવેને રોજિંદો લાખોનો આર્થિક ફટકો

ગાંધીધામ, તા. 11 : રાજસ્થાનના કોટા સેક્શનમાં સવાઈમાધોપુર પાસે ગુર્જરો દ્વારા આદરાયેલા આંદોલનના કારણે રેલવે સેવાને ભારે અસર પહોંચીછે. અનેક ટ્રેનો રદ થતાં રેલવેને ભારે આર્થિક ફટકો પડ્યો છે. જેમાં કચ્છની એક ટ્રેન રદ થતાં 20.75 લાખનું નુકસાન થયું હતું. રેલવેનાં સત્તાવાર સાધનોના જણાવ્યા પ્રમાણે, આંદોલનના બીજા દિવસે 9 ફેબ્રુઆરીના ગાંધીધામથી હાવડા વચ્ચે દોડતી ગરબા એક્સપ્રેસ (12937) રદ કરવામાં આવી હતી. આ ટ્રેનમાં ગાંધીધામથી હાવડા સુધી કુલ્લ 1818 પ્રવાસીઓએ રિઝર્વેશન કરાવ્યું હતું, જેની આવક રૂા. 19,02,355 અને જનરલ કોચમાં 400 જેટલા પ્રવાસીઓએ ટિકિટ કઢાવી હતી, જેની આવક રૂા. 1.92 લાખ થઈ હતી. જોકે, આ ટ્રેન રદ થતાં પ્રવાસીઓને 100 ટકા રિફંડ ચૂકવવું પડ્યું હોવાથી એક જ ટ્રિપમાં રેલવેને 20.75 લાખનો આર્થિક ફટકો પડ્યો હતો. આ તો એક જ ટ્રેનના આંકડા છે. છેલ્લા ત્રણ દિવસથી અનેક લાંબા અંતરની ટ્રેનો રદ થઈ છે તે જોતાં આર્થિક નુકસાનીનો આંક કરોડોને પહોંચશે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer