ભુજમાં ઠંડી, ભાજપ કાર્યાલયમાં ગરમી

ભુજ, તા. 11 : કચ્છના મુખ્ય મથક એવા ભુજમાં ભાજપ કાર્યાલયે આજે મળેલી બેઠક ફરી એકવાર નગરસેવકો વચ્ચેના વાદવિવાદથી ચર્ચામાં આવી હતી. જેમાં મુખ્યત્વે એક દિવસે પાણીનું વિતરણ તથા એજન્ડાની જાણ ન કરાતી હોવાના તેમજ વિશ્વાસમાં ન લેવાતા હોવાના મુદ્દા ખાસ રહ્યા હતા. ભુજમાં ઠંડી છે જ્યારે ભાજપ કાર્યાલયમાં ગરમી પ્રવર્તી રહી છે, ત્યારે વારંવાર બનતા આવા બનાવોને પગલે આવતીકાલ તા. 12/2ના મળનારી સામાન્ય સભામાં વિપક્ષથી વધુ સત્તાપક્ષના નગરસેવકો શું કરશે તેના પર મીટ મંડાઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ભાજપ કાર્યાલયમાં નગરસેવકોની જૂથબંધી અને બેઠક વિવાદમાં જ ઘેરાયેલી રહે છે. આજે પણ પક્ષના મોવડીની હાજરીમાં એકાંતરે પાણી વિતરણનો મુદ્દો ભારે ગરમાયો હતો. આ ઉપરાંત વિવિધ એજન્ડાની પણ નગરસેવકોને મોડી જાણ કરાતી હોવાથી બેઠકમાં રોષ વ્યક્ત કરાયો હતો. એક તબક્કે તો અમુક નગર- સેવકો દ્વારા સુધરાઇની કામગીરી અને યોગ્ય નિર્ણયનો અભાવ તથા સંચાલનમાં નબળાઇનો પણ બેઠકમાં ઉલ્લેખ થયો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સત્તાપક્ષના નગરસેવકો વચ્ચે લાંબા સમયથી અલગ-અલગ મુદ્દે વાદવિવાદ ચાલતા રહે છે, ત્યારે મોટેભાગે સામાન્ય સભામાં વિપક્ષ પર મીટ મંડાયેલી રહે છે કે તે કયા મુદ્દે વિરોધ કરશે, પરંતુ આવતીકાલ તા. 12/2ના યોજાનારી સુધરાઇની સામાન્ય સભામાં વિપક્ષથી વધુ સત્તાપક્ષના નગરસેવકો શું કરે છે તેના પર જાગૃતોની મીટ મંડાયેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સત્તાપક્ષના નગરસેવકો વચ્ચે આંતરિક હુંસાતુંસી નિહાળી વિપક્ષી નગરસેવકોએ નોંધપાત્ર વિરોધ નોંધાવ્યો નથી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer