કચ્છમાં મહિલા સહિત ત્રણનાં અકાળે મોત

ગાંધીધામ, તા. 11 : મુંદરાના બારોઇ રોડ ગોકુલધામ સોસાયટીમાં રહેનાર સ્વાતિસિંઘ શિવબાલકસિંઘ બહાદુરસિંહ (ઉ.વ. 35) નામની મહિલાએ ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું તથા ભુજની જિલ્લા પંચાયત શાખાના બાંધકામ વિભાગમાં ચક્કર આવતાં અને પડી જતાં નાનજી કારુભાઇ યાદવ (ઉ.વ. 59)નું મોત થયું હતું. બીજી બાજુ ગાંધીધામમાં અગાઉ ઘવાયેલા વિજય તુલસીરામ ભાટી (ઉ.વ. 20) નામના યુવાને સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. મુંદરાની ગોકુલધામ સોસાયટીમાં રહેનારા સ્વાતિસિંઘ નામની મહિલા ગઇકાલે બપોરે પેતાના ઘરે હતા. દરમ્યાન તેમના પતિએ જમવાનું બરાબર બનાવવાનું તેમજ દીકરાના અભ્યાસ માટે ધ્યાન રાખવાનું જણાવ્યું હતું. આ બાબતનું મહિલાને ખોટું લાગતાં તેણે પોતાના ઘરે એકલતાનો લાભ લઇ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. જિલ્લા પંચાયતની બાંધકામ શાખામાં આજે સવારે અપમૃત્યુનો બનાવ બન્યો હતો. આ શાખામાં પટ્ટાવાળા તરીકે કામ કરતા નાનજીભાઇ સવારે સાફ સફાઇ કરી રહ્યા હતા. દરમ્યાન તેમને ચક્કર આવતાં તે પડી ગયા હતા. તેમને સારવાર અર્થે ખસેડાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જીવલેણ અકસ્માતનો એક બનાવ ગાંધીધામના યાદવનગર, બાપા સીતારામનગર વચ્ચે સર્વિસ રોડ ઉપર બન્યો હતો. કંડલામાં રહેનારો વિજય નામનો યુવાન બાઇક નંબર જી.જે. 12-ડીપી 1280 લઇને ગાંધીધામમાં મોબાઇલ રિપેરિંગ માટે આવી રહ્યો હતો. દરમ્યાન સામેથી આવતું બાઇક નંબર જી.જે. 12-ડીકયુ-0812વાળું આ બાઇક સાથે ભટકાતાં વિજયને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે ખસેડાયા બાદ સારવાર દરમ્યાન તેણે આંખો મીચી લીધી હતી. આ ત્રણેય બનાવોમાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer