આદિપુરની ભાગોળે હજારો રહેવાસીઓને માટે રેલવે અંડરબ્રિજ બનાવે તે જરૂરી
ગાંધીધામ,તા.11:આદિપુર શહેર અને અંજાર તાલુકાના મેઘપર બોરીચીને જોડતું રેલવે ફાટક અવારનવાર બંધ થતું હોવાના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા મામલે ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન એચ.એમ.એસ કંડલા દ્વારા રેલવે મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. રેલવે મંત્રી પીયૂષ ગોયલને પાઠવેલા પત્રમાં યુનિયનના મહામંત્રી મનોહર બેલાણીએ જણાવ્યું હતું કે મેઘપર બોરીચીમાં મોટી સંખ્યામાં શ્રમજીવીઓ તથા કર્મચારીઓ રહે છે. અહીં 40થી વધુ સોસાયટીમાં હજારો લોકો વસવાટ કરે છે. શાળાએ જતા બાળકોની સંખ્યા મોટી છે. મેઘપર બોરીચીથી આદિપુર આવવા માટે આ ફાટક પસાર કરવું પડે છે. આદિપુરથી મુંદરા અદાણી તરફ એક વિશેષ રેલ લાઈન જાય છે જે અદાણી પોર્ટે પોતાના ખર્ચે નાખેલી છે. આ લાઈન ઉપર માત્ર અદાણી પોર્ટના કાર્ગોનું જ પરિવહન થાય છે. તાજેતરમાં અદાણી પોર્ટનો ભારે વિકાસ થયો હોવાથી મોટી સંખ્યામાં માલવાહક ટ્રેનો આ લાઈન ઉપરથી પસાર થાય છે. જેના કારણે દિવસમાં 50થી વધુ વખત ફાટક બંધ થાય છે. પરિણામે કામદાર વર્ગ અને શાળાએ જતા બાળકોને હાલાકી ભોગવવી પડે છે અને નોકરી શાળાનો સમય સચવાતો નથી. આ સિવાય સામાન્ય પ્રજાને પણ ભારે તકલીફ ભોગવવી પડે છે. ઘણી વખત તો એમ્બ્યુલન્સ પણ અટવાઈ જાય છે. સવારથી રાત્રિ સુધીમાં કયારેક એકીસાથે પેસેન્જર ટ્રેનની સાથોસાથ મુંદરાથી આવતી અને જતી માલગાડી સહિત ત્રણ ટ્રેન પસાર કરાય ત્યારે 20થી 25 મિનિટ જેટલો સમય લાગે છે, જેના કારણે બન્ને દિશામાં વાહનોની લાંબી કતાર લાગતી હોવાથી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે. રેલ લાઈન અદાણી પોર્ટે પોતાના ખર્ચે નાખી છે અને લાઈનનો સંપૂર્ણ ઉપયોગ પણ પોતે જ કરે છે જેથી અદાણી પોર્ટે સીએસઆર ફંડમાંથી ફાટક પાસે અંડર બ્રિજ બનાવી આ ભારે સમસ્યાનો ઈલાજ લાવવો જોઈએ તેવું સૂચન પત્રમાં કરાયું છે. રેલવે મંત્રીને આ દિશામાં અદાણી પોર્ટને સૂચના આપવા અનુરોધ કરાયો છે. પત્રની નકલ રાજય મંત્રી વાસણભાઈ આહીર અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાને પણ મોકલવામાં આવી છે.