મુંદરા તા.ના ગ્રામ્ય વિસ્તારને મદદ કરવા સૂચન

મુંદરા તા.ના ગ્રામ્ય વિસ્તારને મદદ કરવા સૂચન
મુંદરા, તા. 19 : અહીંની તાલુકા પંચાયતની અંદાજપત્રની એક બેઠક તા.પં. પ્રમુખ દશુબા નટુભા ચૌહાણના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ભાજપના મોવડી જયંતીભાઈ ભાનુશાલી તથા તા.પં.ના સદસ્ય હઠુભાના પિતાજી સ્વ. જાડેજા અનવરસિંહજીના દુ:ખદ અવસાન બદલ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. નવનિયુક્ત વિસ્તરણ અધિકારી રાજેન્દ્રસિંહ જાડેજાએ સૌને આવકાર્યા હતા. અગાઉની બેઠકની મિનિટ્સને બહાલી આપવામાં આવી હતી. અંદાજપત્રની વિગતોની વિસ્તૃત ચર્ચા દરમ્યાન જાણવા મળ્યું કે, બંધ સિલક તાલુકા પંચાયત સ્વભંડોળ રૂા. 6 કરોડ 43 લાખનો અંદાજ મૂકવામાં આવ્યો છે. જ્યારે ઉઘડતી સિલક રૂા. 9 કરોડ 95 લાખ. '17-'18 દરમ્યાન થયેલી આવક રૂા. 1 કરોડ 12 લાખ સહિતની આંકડાકીય માહિતી આપવામાં આવી હતી. ડો. બાબાસાહેબ આંબેડકર ભવનના નિર્માણ માટે રૂા. 5 લાખ મંજૂર કરવામાં આવ્યા હતા. કારોબારી ચેરમેન શિવુભા જાડેજાએ ઉપસ્થિત સભ્યોને વિકાસના કામોના સૂચન કરવા, વહીવટમાં વધુ પારદર્શિતા લાવવા અને ગ્રામ્ય વિસ્તારના અરજદારોને વધુ મદદરૂપ થવાની ભાવના વ્યક્ત કરી હતી. તા.પં. પ્રમુખ શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે, સૌના સૂચનો આવકાર્ય છે. પૂર્વ તા.પં. પ્રમુખ રણજિતસિંહ જાડેજા, ડાહ્યાલાલ આહીર, મજીદભાઈ તુર્ક સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. ડી.જી. પરમારે મિનિટ્સનું વાચન કર્યું હતું. તા.પં.ના સ્ટાફ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer