ભાનાડાથી વાડાપદ્ધર થઇ વાંકુ માર્ગ બિસમાર

નલિયા, તા. 19 : અબડાસાના ભાનાડાથી વાડાપદ્ધર થઇ વાંકુ સુધી જતો 8 કિ.મી.નો માર્ગ દોઢેક દાયકાથી બિસમાર હોતાં આ માર્ગનું નવીનીકરણ કરવા માગણી કરાઇ?છે. આ અંગે ભાજપ કિસાન મોરચાના મહામંત્રી અરવિંદભાઇ શાહના જણાવ્યાનુસાર આ માર્ગ પર એકાદ કિ.મી.માં પેચવર્ક કરાયું હતું, જે ઢંગધડા વગરનું હોવાથી માર્ગની સ્થિતિ યથાવત છે. ખાસ કરીને તાકીદના સમયે અહીંથી વાહનવ્યવહાર મુશ્કેલીથી પસાર થાય છે. આ રસ્તાનું નવીનીકરણ કરાય સાથે ભાનાડાથી વાડાપદ્ધર વચ્ચે આવતી પાપડી પર પુલ બનાવવાની પણ ખાસ જરૂરત છે. કોઝ-વેના કારણે દરવર્ષે ચોમાસામાં વાહનવ્યવહાર ઠપ થઇ?જાય છે. ખાસ કરીને વાડાપદ્ધરના લોકો એક ગામથી બીજે ગામ જઇ?શકતા નથી. તેવી જ રીતે વાડાપદ્ધરથી પરજાઉ સુધી ત્રણ?કિ.મી.નો માર્ગ તદ્દન કાચો છે. આ વિસ્તારમાં પિયત ખેતીનો ઉછેર સારો થયો છે. આ ગામડાઓનો મુખ્ય વ્યવસાય ખેતી છે. માર્ગ પરથી નાના-મોટા વાહનો પસાર થતાં વાડાપદ્ધર ગામને જોડતા માર્ગો તદ્દન બિસમાર બની ગયા છે. એસ.ટી. વાહનવ્યવહાર ચોમાસામાં દરવર્ષે બંધ થઇ જતાં હાઇસ્કૂલ કક્ષાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પગપાળા શાળાએ જવું પડે છે. આમ તો આ માર્ગ પિંગલેશ્વર, રામપર (ગઢ) સહિતના ચારથી પાંચ ગામોને ઉપયોગી છે. આ ગામડાઓને તાલુકામથકે પહોંચવું હોય તો આ માર્ગ પરથી સુગમતા રહે છે પણ રસ્તો વરસોથી બિસમાર હોતાં વાહનવ્યવહાર અને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer