પવને રંગ રાખતાં પતંગોએ ભરી ઊંચી ઉડાન

પવને રંગ રાખતાં પતંગોએ ભરી ઊંચી ઉડાન
ભુજ, તા. 15 : મકરસંક્રાંતિ પર્વની કચ્છમાં ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઇ હતી. તેમાંયે આ વખતે સવારથી પૂરતો પવન લહેરાતો હોવાથી પતંગરસિકોને મજા પડી ગઇ હતી. પતંગના ભાવવધારાના કારણે આ વખતે પ્રમાણમાં પતંગ ઉડાન ઓછી જોવા મળી હતી, પરંતુ સવારથી જ પવનનું પ્રમાણસર જોર રહેતાં પતંગરસિકોને મોજ પડી ગઇ હતી. સી.ડી., રેકોર્ડર અને ડી.જે.ના તાલે ધાબાં પર ફિલ્મી ગીતોના સથવારે મોજમસ્તી જોવા મળતી હતી. એ... કાપ્યો છે... જેવી રાડારાડથી માહોલ ઉત્તેજનાસભર બન્યો હતો જ્યારે રાત્રે ગોબારા પણ ઊડતા જોવા મળ્યા હતા. એકતરફ યુવાનોએ પતંગની મોજ માણી હતી, બીજીતરફ દાન-પુણ્ય માટે મહત્ત્વના ગણાતા આ પર્વની ભાવિકોએ અનાજ, વત્ર, ભોજનના દાન સાથે ઉજવણી કરી હતી. મંદિરોમાં દેવદર્શન માટે રોજ કરતાં વિશેષ સંખ્યામાં દર્શનાર્થીઓ દેખાયા હતા. દરમ્યાન, ઠેરઠેર ઊંધિયું, ગાજરનો હલવો, જલેબીના વેચાણમાં ધૂમ ઘરાકી જોવા મળી હતી તો શેરડી, બોર, તલની વાનગીઓ, ચિક્કીના ધંધાર્થીઓને તડાકો પડયો હતો. સરકારી કર્મચારીઓ માટે શનિ, રવિ, સોમ ત્રણ દિવસ રજા હોવાથી કચ્છના પ્રવાસન સ્થળો ધમધમી ઊઠયા હતા. બહારગામથી આવેલા સહેલાણીઓ નારાયણ સરોવર, કોટેશ્વર, માતાનામઢ, માંડવી, ધોરડો, કાળો ડુંગર સહિતના મથકોએ ભીડ જામી હતી. આના લીધે ભુજની વિવિધ હોટલ, ગેસ્ટહાઉસનું બુકિંગ ફૂલ રહ્યું હતું તો ટૂર્સ ટ્રાવેલ્સ સાથે સંકળાયેલો વર્ગ પણ વ્યસ્ત રહ્યો હતો. મુંદરામાં ગૌસેવા આ બંદરીય નગરી ખાતે સવારથી જ લોકોએ પરિવાર સાથે પતંગની રમઝટ જમાવી હતી. ઠેર ઠેર સાઉન્ડ સિસ્ટમ સાથે મોજથી ઉજવણી થઇ હતી. આ પ્રસંગે એપલ સ્કૂલના ટ્રસ્ટી ધ્રુવરાજસિંહ ચૂડાસમા તથા રોટરી પરિવાર તરફથી અનુક્રમે રૂા. 26 અને 25 હજારનો પાંજરાપોળને ફાળો અપાયો હતો. બજારમાં ઊંધિયાની ઘરાકી જામી હતી. બારોઇ રોડ પર સામાજિક એકતા મંચ દ્વારા પક્ષી બચાવ અભિયાન હાથ ધરાયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer