લશ્કરની હવાઇ સંરક્ષણ પાંખને મજબૂત કરાશે

લશ્કરની હવાઇ સંરક્ષણ  પાંખને મજબૂત કરાશે
ભુજ, તા. 15 : આર્મી કોર્પ્સ એર ડિફેન્સ સિલ્વર જ્યુબિલીના અવસરને અનુલક્ષીને ધોરડો ખાતેથી આઠ દિ' પૂર્વે શરૂ થયેલા લેન્ડ યાચિંગ અભિયાનના સમાપન સમારોહમાં આજે મેજર જનરલ સુબોધ કુમારે આર્મી એર ડિફેન્સ ઇન્ડિયન આર્મીની સૌથી આધુનિક કોર્પ્સ હોવાના ગૌરવ સાથે જણાવ્યું કે, લશ્કરની આ હવાઇ સંરક્ષણ પાંખને વધુ મજબૂત કરાશે. આ લેન્ડ યાચિંગ અભિયાનના આજે ધોરડો ખાતેના કાર્યક્રમના મુખ્ય અતિથિ મેજર જનરલ સુબોધ કુમાર, એડિશનલ ડાયરેક્ટર જનરલ, આર્મી એર ડિફેન્સની ખાસ ઉપસ્થિતિમાં તેમના હસ્તે ફ્લેગઇન કરી આ સાહસિક અભિયાનને સફળ જાહેર કરાયું હતું. ભારતીય સેનાના સાહસના પ્રતિકસમા આ અભિયાનનું નેતૃત્વ કેપ્ટન નવયોગસિંઘ દ્વારા સંભાળવામાં આવ્યું હતું. ગત 8મી જાન્યુઆરીએ ધોરડોથી આરંભયેલા 15 સદસ્યોના લેન્ડ યાચિંગ અભિયાન લીંધારો, કુંવરબેટ, ધર્મશાલા, શકિતબેટ, કરીમશાહી થઇ ધોરડો ખાતે અભિયાનના આજે પૂર્ણાહુતિ પ્રસંગે ટીમના સદસ્યોનું ઉમળકાભેર સ્વાગત-સન્માન કરાયું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ મેજર જનરલ સુબોધ કુમારે જણાવ્યું કે, આજનો દિવસ આર્મી દિવસના રૂપમાં મનાવાઇ રહ્યો છે. 10મી જાન્યુઆરીએ આ કોર્પ્સની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે તેમણે સખત પરિશ્રમ સાથે કોર્પ્સને વધુ સુસજ્જ બનાવી આગળ લઇ જવાની કટિબદ્ધતા વ્યકત કરી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ મેજર જનરલ સુબોધ કુમારના હસ્તે લેન્ડ યાચિંગ અભિયાન ટીમના સાહસવીરોને પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરાયા હતા. બ્રિગેડિયર ઉપરેતી, કર્નલ એસ. કે. યાદવ, સેનાના અધિકારીઓ, જવાનો, પરિવારજનો, ધોરડોના સરપંચ મિયાં હુસેન તેમજ ધોરડોવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer