બાનિયારી પાસેના રણમાં ગેરકાયદે ડી.પી., જોડાણો હટાવવા વનતંત્રની તાકીદ

બાનિયારી પાસેના રણમાં ગેરકાયદે   ડી.પી., જોડાણો હટાવવા વનતંત્રની તાકીદ
બાનિયારી (તા. ભચાઉ), તા. 15 : આ ગામની સીમમાં ઉત્તર તેમજ પૂર્વ દિશામાં રણ તેમજ વન વિભાગની અભયારણ્યની જગ્યા ઉપર ગેરકાયદે દબાણ સાથે થઇ રહેલા મીઠાના ઉત્પાદનના સ્થળે લગાવાયેલા વિદ્યુત થાંભલા અને વીજ જોડાણ તાત્કાલિક હટાવી લેવા માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડને વનતંત્રએ તાકીદ કરી જો આવું ન થાય તો પોલીસ કેસ કરવાની પણ તૈયારી બતાવાઇ છે. બાનિયારી ગામના સરપંચ રૂપાભાઇ પાંચાભાઇ આહીર તથા અન્ય ગ્રામજનો દ્વારા આધાર-પુરાવા સાથે મળેલી રજૂઆત અન્વયે તપાસ કર્યા બાદ ભચાઉ નોર્મલ રેન્જના પરિક્ષેત્ર વન અધિકારીની કચેરી વતી વર્તુળ વન અધિકારી જે.એમ. પટેલે ભચાઉ પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિતમાં આ તાકીદ કરી હતી. આ સ્થળે અમુક માથાઓ દ્વારા ગેરકાયદે દબાણ કરીને મીઠું પકવવામાં આવી રહ્યું છે. આ પ્રવૃત્તિના કારણે વરસાદી પાણીના નિકાલનાં વહેણ બંધ થઇ ગયાં છે, તો આ વિસ્તારના લોકો અને પશુઓને વિકટ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. મીઠું પકવવાના કામમાં રોકાયેલા અમુક અગરિયાઓ દ્વારા ગેરકાયદે શિકાર સહિતની પ્રવૃત્તિઓ પણ થતી રહે છે, તો આ વિસ્તારમાં 300 જેટલી વિદ્યુત ડી.પી.ઓ લાગેલી હોવા સહિતની રજૂઆતો બાદ વનતંત્રએ વિદ્યુત તંત્રને આ તાકીદ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer