ડીપીટી દ્વારા મોર્ગેજ ફીના નવા ઘટાડેલા દરો લાગુ કરાયા

ગાંધીધામ, તા. 15 : દીનદયાલ પોર્ટ પ્રશાસન દ્વારા વસૂલાતી કમરતોડ મોર્ગેજ ફી સહિતના પ્રશ્ને ચેમ્બર દ્વારા આંદોલન કરાયા બાદ મોર્ગેજ ફીમાં પ્રશાસન દ્વારા ધરખમ ઘટાડાની અપાયેલી ખાતરી મુજબ નવા દર લાગુ કરી દેવાયા છે. પોર્ટનાં સત્તાવાર સાધનોના જણાવ્યા પ્રમાણે, જનઆક્રોશ રેલી બાદ ડીપીટી દ્વારા ગત તા. 14-12ની બોર્ડ બેઠકમાં મોર્ગેજ ફીના નવા ઘટાડેલા દર અંગેનો ઠરાવ મૂકવામાં આવ્યો હતો. તે મુજબ, આ નવા દર મુજબ મોર્ગેજ ફી ઓછામાં ઓછી 1 હજાર અને સૌથી વધુ 1 લાખ સુધીની જ ભરવાની રહેશે. અગાઉ ધિરાણના એઁક ટકા ફી વસૂલાતી હતી, જે ફી લાખોમાં થતી હતી. નવા લાગુ કરાયેલા દર મુજબ, પ્લોટના વિસ્તાર પ્રમાણે ફી નક્કી કરાઈ છે. આ દરના અમલીકરણ સંદર્ભે પોર્ટ પ્રશાસન દ્વારા પરિપત્ર જારી કરાયો છે. નવા દર મુજબ, 100 સ્ક્વેર મીટરના પ્લોટ માટે રૂા. 1 હજાર, 100થી 1 હજાર સ્ક્વેર મીટરના પ્લોટ માટે રૂા. 5 હજાર, 1 હજારથી પ હજાર સ્ક્વેર મીટરના પ્લોટ માટે રૂા. 10 હજાર, 5 હજારથી 20 હજાર સ્ક્વેર મીટરના પ્લોટ માટે રૂા. 20 હજાર, 20 હજારથી 40 હજાર સ્ક્વેર મીટરના પ્લોટ માટે રૂા. 30 હજાર, 40 હજારથી 60 હજાર સ્ક્વેર મીટરના પ્લોટ માટે રૂા. 40 હજાર, 60 હજારથી 80 હજાર સ્ક્વેર મીટરના પ્લોટ માટે રૂા. 60 હજાર, 80 હજારથી 1 લાખ સ્ક્વેર મીટરના પ્લોટ માટે રૂા. 80 હજાર, 1 લાખ અને તેથી વધુ સ્ક્વેર મીટરના પ્લોટ માટે 1 લાખ સુધી મોર્ગેજ ફી ચૂકવવાની રહેશે. આમ, ઘટાડેલા ફીના દરો લાગુ કરાતાં સંકુલના લોકોને મોટી રાહત મળી છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer