કેરૂગોયામાં નૂતન સ્વામિનારાયણ મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો દબદબાભેર પ્રારંભ

કેરૂગોયામાં નૂતન સ્વામિનારાયણ મંદિરે  પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો દબદબાભેર પ્રારંભ
કેરા (તા. ભુજ), તા. 15 : કેન્યાના ઉત્તરીય શહેર કેરૂગોયામાં વ્યવસાયાર્થે સ્થાયી ચોવીસીના કણબી પરિવારોએ કરોડોના ખર્ચે નિર્મેલા નૂતન સ્વામિનારાયણ શિખરબદ્ધ મંદિરે મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો મંગળવારે ધાર્મિક હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો હતો. ભુજ સ્વામિનારાયણ મંદિર મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીની પ્રેરણાથી સ્થપાયેલા કેરૂગોયા મંદિરમાં પાંચ દિવસીય યજ્ઞ શરૂ થયો છે. મંગળવારે કળશપૂજન, યજ્ઞ આરંભાયા છે તો બુધવારે ભુજ મંદિરના વરિષ્ઠ કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત આદિ વડીલ સંતોની નિશ્રામાં પોથીયાત્રા યોજાશે. કેરૂગોયાથી શાત્રી ધર્મચરણદાસજી સ્વામીએ કચ્છમિત્રને વિગતો આપતાં જણાવ્યું કે, અહીં વસતા કચ્છી હરિભક્તોમાં પ્રથમ શિખરબદ્ધ મંદિરનો ભારે ઉત્સાહ વર્તાઇ રહ્યો છે. મહંત સ્વામીની પ્રેરણાથી મોટી સેવાઓ થઇ છે. તા. 16/1ના પોથીયાત્રા, દીપ પ્રાગટય પછી કથા, તા. 18ના મહાદીક્ષા પટ્ટાભિષેક, 19/1ના મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા, ફૂલ ડોલોત્સવ, દીપોત્સવ, રાસોત્સવ, 20/1ના સમૂહ મહાપૂજા અને શોભાયાત્રા યોજાશે. આ પ્રસંગે વરિષ્ઠ સત્સંગી દાતા લક્ષ્મણબાપા, અગ્રણી મનજીભાઇ રાઘવાણી સહિતના ઉત્સવ માણવા પહોંચ્યા છે. તો માંડવી, ગોધરા, નાગલપર, પિયાવાના કેરૂગોયા સ્થિત હરિભક્તોમાં વિશેષ ઉત્સાહ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer