31મી સુધી કૃષિ ઇનપુટ સહાયની અરજી થશે

31મી સુધી કૃષિ ઇનપુટ સહાયની અરજી થશે
ભુજ, તા. 15 : કચ્છના દુષ્કાળ પીડિત ખેડૂતોને થયેલી નુકસાનીના વળતરરૂપે સરકારે કૃષિ ઇનપુટ સબસિડી ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આજે અરજી કરવાની છેલ્લી તારીખ હોવાથી કચ્છમાં કુલ 1,14,674 ખેડૂતોએ અરજી કરી છે, જો કે, સરકારે પરિપત્ર બહાર પાડી અરજી કરવાની તારીખ 31મી જાન્યુઆરી સુધી લંબાવી દીધી છે. આગામી 8થી 10 દિવસમાં આ સબસિડીની રકમ ખેડૂતોના ખાતામાં જમા થઇ જવાની શક્યતા જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ આજે બોલાવેલી પત્રકાર પરિષદમાં વ્યક્ત કરી હતી. કચ્છમાં બે લાખ એકવીસ હજારથી વધુ ખેડૂતો છે. આથી આ સહાય માટે સરકારે કચ્છ માટે 247 કરોડ ગ્રાન્ટ ફાળવી છે જે તાલુકા પંચાયતોને સોંપી દેવાઇ હોવાનું ડી.ડી.ઓ. શ્રી જોશીએ જણાવ્યું હતું. શ્રી જોશીએ વધુમાં ઉમેર્યું હતું કે, તલાટી અને ગ્રામસેવક યુનિયન દ્વારા તા. 12-13-14 જાન્યુ.ની રજાઓમાં પણ અરજી સ્વીકારવાનું ચાલુ રાખી આ ત્રણ દિવસની રજા દરમ્યાન ક્રોપ ઇનપુટ સહાય અંગે જિલ્લામાં કુલ 10,116 જેટલા ખેડૂતો પાસેથી અરજી મેળવીને એક નવીન અભિગમ સાથે કામગીરી કરી હોવાથી તેઓની પીઠ થાબડી હતી. શ્રી જોશીએ પત્રકારોને આ અંગેની વિગતો દર્શાવતાં જણાવ્યું હતું કે, કચ્છ ઇનપુટ સબસિડી પોર્ટલ તા. 12/1ના ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તેની વિશેષતાઓ જણાવતાં શ્રી જોશીએ ઉમેર્યું કે, પોર્ટલમાં આધારકાર્ડની એન્ટ્રીના કારણે જિલ્લામાં થતી ડુપ્લિકેટ અરજીઓની જાણકારી મેળવી પ્રશ્ન નિવારી શકાય છે. તલાટીને આપવામાં આવેલા યુઝર આઇડી મારફત કરવામાં આવતી આ કામગીરીનું લાઇવ અપડેટ થતું હોવાથી તાલુકા તથા જિલ્લા કક્ષાએથી તેના પર દેખરેખમાં સરળતા રહે છે અને બાકી રહેતા ગામોમાં કામગીરીને ઝડપી બનાવવા માર્ગદર્શન આપી શકાય છે. આ પોર્ટલમાં 14મી સુધી 13 હજાર જેટલી એન્ટ્રીઓ થઇ ચૂકી છે અને તાલુકા કક્ષાએથી આ અંગેની મંજૂરી બાદ રૂા. 1,83,18,686 જેટલા રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવશે. ગ્રામસેવક-તલાટી તેમજ જિલ્લા બહારથી આવેલા 95 ગ્રામસેવક દ્વારા સહાય અંગેની કાર્યવાહી ચાલી રહી છે તેમજ એકાદ-બે દિ'માં જ ગાંધીધામ તાલુકાના ખેડૂતોને સહાય ચૂકવણું પણ શરૂ થઇ જશે તેવું જિલ્લા વિકાસ અધિકારી શ્રી જોશીએ જણાવ્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer