ઉછીના રૂા. ત્રણ હજાર ન મળતાં વરસાણા પાસે પથ્થરો ઝીંકી યુવાનની કરાઈ હત્યા

ગાંધીધામ, તા. 15 : અંજાર તાલુકાનાં વરસાણા નજીક આવેલા એક લાકડાંના બેન્સા પાછળ ખેતરમાં ઉછીના આપેલા રૂા. 3000 પરત ન કરતાં ઈન્દ્રામણિ સોલા ગૌડા (ઉ.વ. 30) નામના યુવાનને પથ્થર ઝીંકી બે શખ્સોએ તેની હત્યા નીપજાવી હતી. આ બનાવમાં ગણતરીના કલાકોમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. વરસાણા નજીક આવેલા ચૌધરી ટિમ્બર નામના લાકડાંના બેન્સા પાછળ હત્યાનો આ બનાવ બન્યો હતો. આ બેન્સામાં આવેલી ઓરડીમાં રહેતા અને આઠેક મહિનાથી અહીં આવેલા ઈન્દ્રામણિ નામના યુવાનને આ જ બેન્સામાં કામ કરતા ગોવિંદ કંગુરુ ગૌડા નામના શખ્સે રૂા. 3000 ઉછીના આપ્યા હતા. બાદમાં આ શખ્સ ગોવિંદ પોતાના વતન ચાલ્યો ગયો હતો અને હાલમાં અઠવાડિયા પહેલાં જ તે અહીં પરત આવ્યો હતો. દરમ્યાન ગત તા. 13/1ના સાંજે ઈન્દ્રામણિ, ગોવિંદ, સુશાંત, કાંધિયા બહેરા, કાલિયા વગેરે પાંચેક શખ્સો બેન્સા પાછળ ખેતરમાં બેઠા હતા તેવામાં આ ગોવિંદે પોતે આપેલા ઉછીના પૈસાની માગણી કરી હતી, જેમાં બોલાચાલી બાદ ગોવિંદ અને સુશાંતે ઈન્દ્રામણિ ઉપર પથ્થર વડે હુમલો કરતાં આ યુવાનની ખોપડી ફાટી ગઈ હતી અને તેનું મોત થયું હતું. આ બનાવ જાહેર થયા બાદ બેન્સામાંથી કોણ બહાર જાય છે તે માટે સી.સી. ટી.વી. કેમેરાની તપાસ કરી હતી અને પૂછપરછ હાથ ધરાતાં ગોવિંદ અને સુશાંત ભાંગી પડયા હતા અને પોતે જ યુવાનને પતાવી દીધો હોવાની કેફિયત આપી હતી. પોલીસે લોહીવાળા કપડાં, પથ્થર વગેરે કબ્જે કરીને આગળની તપાસ હાથ ધરી હોવાનું પી.આઈ. આર.એલ. રાઠોડે જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer