કચ્છમાં સ્વાઇન ફલુનો કહેર જારી, 15 દિ''માં અડધી સદી વટાવી

ભુજ, તા. 15 : જિલ્લામાં સ્વાઇન ફલુનો કહેર યથાવત રહ્યો છે. બે દિવસ દરમ્યાન કચ્છમાં એચવન એનવનના નવા 11 કેસ પોઝિટિવ નોંધાતાં ચાલુ સાલની સિઝનના 15 દિવસમાં જ સ્વાઇન ફલુનો કુલ આંકડો અડધી સદી વટાવી 57 પર પહોંચ્યો છે. બે દિવસ દરમ્યાન સ્વાઇન ફલુના નોંધાયેલા 11 દર્દીઓમાંના આઠ દર્દીઓ તો ભુજ-ભુજ તાલુકાના રહેવાસીઓ છે. આ 11 સ્વાઇન ફલુના દર્દી પૈકી બે વર્ષની માસૂમ ???બાળકી સહિત સાત મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે. કચ્છમાં 14મીના ચાર તથા પંદરમીના સાત સ્વાઇન ફલુના દર્દી નોંધાયા હતા. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. કુર્મીની યાદી અનુસાર સ્વાઇન ફલુના બે દિવસ 11 નવા કેસ નોંધાયા છે તેમાંના ભુજના એરપોર્ટ રિંગરોડના સેવન સ્કાય બંગ્લોઝમાંની 29 વર્ષીય મહિલા, બળદિયાની હનુમાનજી દેરી પાસે રહેતો 38 વર્ષીય યુવાન, માનકૂવાના વરસાણીનગરમાં રહેતી 29 વર્ષીય મહિલા, માધાપરના જૂનાવાસના આઇયાનગરની 62 વર્ષીય વૃદ્ધાના એચવન એનવનના પોઝિટિવ રિપોર્ટ 14મીના આવ્યા હતા. આ તમામ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે 15મીના સાત નવા કેસ સ્વાઇન ફલુના નોંધાયા છે. જેમાં કોડકીની 63 વર્ષીય વૃદ્ધા, માધાપરના નવાવાસના વાગડિયા વાડી બાજુ રહેતા 53 વર્ષના આધેડ, મિરજાપરની 60 વર્ષીય વૃદ્ધા અને અબડાસા તાલુકાના જખૌનો 42 વર્ષીય યુવાન તથા અંજારની યોગેશ્વર ચોકડી પાસે રહેતી 44 વર્ષીય મહિલા તથા કોડકી નવાવાસમાં કોડકી તળાવ પાસે રહેતી બે વર્ષીય બાળકીને સ્વાઇન ફલુ નોંધાતાં બધા જ અલગ-અલગ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. આ ઉપરાંત નખત્રાણાના ગણેશનગરમાં રહેતા 50 વર્ષીય આધેડના પણ એચવન એનવનના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને જી. કે. જનરલમાં સારવાર અપાઇ રહી છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer