મુંદરા કસ્ટમના હરાજી વિભાગમાં કામ કરતા હોવાનું કહી 1.76 લાખની ઠગાઇ

ગાંધીધામ, તા. 15 : પોતે મુંદરા કસ્ટમના હરાજી વિભાગમાં હોવાનું જણાવતાં ત્રણ શખ્સોએ ઓછી કિંમતમાં ગેલ્વેનાઇઝ વાયર આપવાનું કહી અમદાવાદના એક વેપારી સાથે રૂા. 1,76,000ની ઠગાઇ, વિશ્વાસઘાત કરતાં આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અમદાવાદના બોડકદેવમાં રહેતા વિશાલ રમેશ પટેલ નામના યુવાન વેપારી વિરમગામમાં બી.એમ. પટેલ એન્ડ કંપનીના નામે બાઇન્ડિંગ વાયરની ફેકટરી ધરાવે છે. આ યુવાનને ગત તા. 10-1ના યોગેશ પટેલ મુંદરા કસ્ટમ હરાજી વિભાગમાંથી બોલું છું તેમ કહીને એક ફોન આવ્યો હતો. તમને સસ્તામાં ગેલ્વેનાઇઝ વાયર જોઇએ છે. જવાબમાં યુવાને અઢાર ગેઇજનો વાયર સસ્તામાં જોઇતો હોવાનું કહ્યું હતું. તેવામાં આ શખ્સે પોતાના અધિકારી મનીષ પટેલનો નંબર આપી તેની સાથે વાત કરવા કહ્યું હતું. આ મનીષ પટેલે કહ્યું હતું કે 20 ટકા પેમેન્ટ રોકડમાં જોઇએ અને તેની રસીદ આપશું. તે રસીદના આધારે પોર્ટમાં એન્ટ્રી કરાવી કન્ટેનરનું ઇન્સ્પેકશન કરાવી અને માલ જોઇ લેવાનું, માલ પસંદ પડે તો ડીલ પાકી નહીંતર રસીદ પરત આપો તો પૈસા પાછા મળી જશે તેવું આ યુવાનને કહ્યું હતું અને અઢાર ગેઇઝનો વાયર કંડલા બંદરે હોવાનું કહ્યું હતું. તેવામાં આ યુવાન પોતાના સંબંધીઓ સાથે તા. 12-1ના અહીં આવી પહોંચ્યો હતો. જ્યાં તેને યોગેશ પટેલ નામનો શખ્સ મળ્યો હતો અને એક અજાણ્યો શખ્સ પણ ત્યાં આવ્યો હતો. આ અજાણ્યો શખ્સ યુવાન વેપારીની કારમાં બેસી તેમને કાસેઝ પાસે લઇ ગયો હતો અને રોકડ રૂા. 1,76,000 લઇ ખરીદનાર કંપનીનું નામ એક કાગળમાં લખાવી તમે કારમાં જ બેસજો અહીં કસ્ટમના અધિકારીઓ ફરતા હશે તેમ કહી કાસેઝ અંદર ગયો હતો અને ત્યાંથી રફૂચક્કર થઇ ગયો હતો. બાદમાં આ યોગેશ પટેલ, મનીષ પટેલ નામના શખ્સો યુવાન વેપારીને ગોળ ગોળ જવાબ આપી વાયર કે પૈસા પરત ન આપતાં આ ત્રણેય વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જેના આધારે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer