અછતને કચ્છનું વહીવટી તંત્ર આફત માને છે

ભુજ, તા. 15 : કચ્છમાં અછત તો કુદરતે આપી છે, પરંતુ વહીવટી તંત્ર પર જાણે આફત આવી ગઇ હોય તેવું વલણ દાખવવામાં આવતાં જિલ્લા અછત સમિતિના સભ્ય અને પૂર્વ મંત્રી તારાચંદભાઇ છેડા દુ:ખ વ્યકત કરી તંત્રની નિષ્ફળતા સામે મેદાનમાં આવી ગયા છે. શ્રી છેડાએ એક યાદીમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અછતની જાહેરાત કરી તેને ત્રણ મહિના થયા અને ખુદ મુખ્યમંત્રી પોતે પણ સમીક્ષા કરે છે, પરંતુ કચ્છનું વહીવટી તંત્ર ઉદાસીન હોવાથી પશુપાલકોથી માંડી તમામ વર્ગ મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. તેમણે જણાવ્યું હતું કે, હજુ સુધી કચ્છમાં માત્ર 100 ઢોરવાડા ખુલ્યા છે અને મંજૂરી પ્રક્રિયા જટિલ હોવાથી અનેક માગણીઓ પડતર છે. ખરેખર કામગીરીમાં ઝડપ આવે તે માટે મંજૂરી પ્રક્રિયા નાયબ કલેક્ટરને સોંપવી જોઇએ. ભૂતકાળમાં અછતના દિવસો હતા ત્યારે 250થી વધુ ઢોરવાડા ખુલ્લા મૂક્યા હતા, પરંતુ હજુ સુધી 100 કેટલ કેમ્પ ખૂલી શક્યા છે. પાંજરાપોળ અને ગૌશાળામાં આશરો લેતા ગૌવંશ માટે રૂા. 25ની સબસિડી જાહેર કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી અનેક સંસ્થાઓને સબસિડી મળી નથી તે પણ દુ:ખદ બાબત છે. સરકારને બદનામ કરવાનું આ કાવતરું હોય તેવું વલણ દાખવવામાં આવતું હોવાનો પૂર્વ મંત્રીએ આક્ષેપ કર્યો હતો. આગામી તા. 19/1ની અછતની બેઠકમાં ઉગ્રતાપૂર્વક રજૂઆતો કરવામાં આવશે તેવી પણ તેમણે ચીમકી આપી કહ્યું કે, ઘાસડેપો ઉપર પૂરતો ઘાસનો જથ્થો મળતો નથી તેવી ફરિયાદો આવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer