ગાંધીધામ-કામખ્યા ટ્રેનમાં જનરલ કોચ ઘટાડી દેવાતાં પ્રવાસીઓમાં ભારે રોષ

ગાંધીધામ, તા. 15 : કચ્છથી આસામ વચ્ચે સપ્તાહમાં એકવાર દોડતી ગાંધીધામ- કામખ્યા એક્સપ્રેસમાં નોર્થ ફ્રન્ટીયર રેલવે પ્રશાસન દ્વારા જનરલ કોચની સંખ્યા ઘટાડી એક જ કોચ કરી નખાતાં સેંકડો પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, લાંબા અંતરની કામખ્યા એક્સ.માં આઈસીએફ કોચના બદલે અત્યાધુનિક એલએચબી કોચ લગાડવામાં આવ્યા ત્યારે કામખ્યાથી જ એક પણ જનરલ કોચ જોડવામાં આવ્યા ન હતા. બાદમાં આ રેલવે પ્રશાસન દ્વારા કામખ્યાથી ચાર જનરલ કોચ જોડવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ એનએફ રેલવે દ્વારા જનરલ કોચની સંખ્યા ઓછી કરી ત્રણ અને બે કરી નખાઈ હતી, જ્યારે ગત શનિવાર, 12-1ના ગાંધીધામ આવેલી ટ્રેનમાં માત્ર એક જ જનરલ કોચ જોડવામાં આવતાં સેંકડો પ્રવાસીઓને ભારે મુશ્કેલી પડી હતી. દેશનાં અનેક રાજ્યોને સાંકળતી આ ટ્રેનમાં દર શનિવારે માત્ર ગાંધીધામથી જ 800 જેટલી જનરલ ટિકિટો વેચાય છે. એલએચબી રેકના એક જનરલ કોચમાં 80થી 100 જેટલા પ્રવાસીઓની બેસી શકે તેની સામે ગત શનિવારે કામખ્યાથી એક જ જનરલ કોચ આવતાં સેંકડો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ કામખ્યા એક્સપ્રેસ એનએફ ઝોનની હોવાથી ત્યાંથી જેટલા કોચ સાથે ટ્રેન આવે તે જ રેક ગાંધીધામથી રવાની થાય. તેમાં કોચ વધારવા કે ઘટાડવાની કોઈ કાર્યવાહી ગાંધીધામથી થઈ શકે નહીં. અગાઉ જ્યારે એક પણ જનરલ કોચ જોડાયા ન હતા ત્યારે ગાંધીધામમાં પોલીસ બંદોબસ્ત સાથે માત્ર રિઝર્વેશન કરાવેલા પ્રવાસીઓને પ્રવેશ અપાયો હતો અને એક પણ જનરલ કોચની ટિકિટ અપાઈ ન હતી. ગાંધીધામથી શ્રમિકોની અવરજવરને ધ્યાનમાં રાખી આ ટ્રેનમાં ચાર જનરલ કોચ જરૂરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer