અટકેલા ધોરીમાર્ગ-ઓવરબ્રિજ કામને લઇને ગળપાદર ગામ ચૂંટણી બહિષ્કારના મૂડમાં

ગાંધીધામ, તા. 15 : તાલુકાના ગળપાદર ગામ પાસે આવેલા ધોરીમાર્ગ તથા ઓવરબ્રિજનું કામ અટકેલું હોવાથી અહીં દરરેજ ટ્રાફિક જામની સમસ્યા પેદા થાય છે તેમજ અધૂરા રહેલા આ કામના પગલે અહીં અનેક મહામૂલી માનવ જિંદગીઓ ખપ્પરમાં હોમાઇ ગઇ છે, છતાં તંત્રનાં પેટનું પાણી હલતું નથી. જો હવે આ કામ તુરંત શરૂ ન થાય તો ગામલોકો આગામી ચૂંટણીના બહિષ્કારના મૂડમાં હોવાનું જાણવા મળ્યું છે. ગળપાદર ગામ નજીક છેલ્લા કેટલાક વર્ષોથી રાષ્ટ્રીય ધોરીમાર્ગનું કામ શરૂ કરાયું છે પરંતુ કંડલા એરપોર્ટ ચાર રસ્તાથી ગાંધીધામના ચૂંગી નાકા નજીક ત્રણ રસ્તા સુધીનો આ માર્ગ બાકાત રખાયો છે. જેના કારણે અહીંથી પસાર થતા તોતિંગ વાહનોના લીધે દરરોજ સવાર-સાંજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. તેમજ માતેલા સાંઢની માફક દોડતા આવા વાહનોના કારણે આ માર્ગ ઉપર અનેક લોકોની જિંદગી ઉપર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. તંત્રની આવી બેદરકારીના પગલે ગામલોકોએ અગાઉ ચક્કાજામ સહિતના કાર્યક્રમો આપ્યા છે. તાલુકા પંચાયતના પ્રમુખ, ગ્રામ પંચાયતના સરપંચ, વિરોધપક્ષના નેતા, તાલુકા પંચાયતના સભ્યો વગેરે અનેક લોકોએ લેખિતમાં તંત્રને ફરિયાદ, રજૂઆત કરી છે પરંતુ જાડી ચામડીના આ તંત્રના પેટનું પાણી હાલતું જ ન હોય તેમ આ કામને આગળ વધારાતું જ નથી. દરરોજ સવારે ઊભી થતી ટ્રાફિક જામની સમસ્યાના કારણે બાળકોને શાળાએ જવામાં પણ ડર પેસી ગયો છે, તો સાંજે કામેથી પરત આવતા યુવાનો પણ માંડ-માંડ પોતાના ઘરે પહોંચતા હોય છે. જો આ કામને ત્વરિત ચાલુ નહીં કરાય તો ગામલોકો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવું જણાવાયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer