નખત્રાણાની બજારમાં રખડતા ઢોરોનું રાજ : તંત્ર ઘોર નિદ્રામાં

નખત્રાણા, તા. 15 : નખત્રાણામાં રખડતા ઢોરોની સમસ્યાએ માઝા મૂકી છે અને નાગરિકોને બજારમાં નીકળવું પણ દુષ્કર થઈ ગયું હોવા છતાં સ્થાનિક ગ્રામ પંચાયત તંત્ર નિદ્રામાં છે અને ઢોરો પકડવા માટે મુહૂર્તની રાહ જોઈ રહ્યું છે. ગયા અઠવાડિયે યોજાયેલી નખત્રાણા તાલુકાની સંકલન બેઠકમાં નાયબ કલેક્ટરે સફાઈ અને રખડતા ઢોરના મુદ્દે નખત્રાણા ગ્રામ પંચાયતનો ઉધડો લીધો હતો અને એક અઠવાડિયામાં પરિણામલક્ષી કાર્યવાહી કરવા ચીમકી આપી છતાં પંચાયત તંત્ર પર તેની કોઈ જ અસર થઈ હોય તેમ જણાતું નથી. સરકારની ગ્રાન્ટમાંથી નખત્રાણા ગ્રામ પંચાયતે ઢોરો પકડવા માટેની ગાડી વસાવેલી છે પણ ચાર-પાંચ મહિના અગાઉ એકાદ રખડતા આખલાને પકડી `ઉદ્ઘાટન' કર્યા બાદ આ ગાડી મહિનાઓથી ધૂળ ખાઈ રહી છે ! આશ્ચર્યની વાત તો એ છે કે બાજુના વિરાણી મોટી ગામના લોકો હાલમાં આ ઢોર પકડ ગાડી લઈ ગયા છે અને તેનો સદુપયોગ કરી રહ્યા છે ! ઈન્ચાર્જ સરપંચને આ બાબતે પૂછતાં તેમણે જણાવેલું કે સંક્રાંતિ પછી નખત્રાણામાં ઢોરો પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવશે ! નગરજનો રખડતા ઢોરની સમસ્યાથી ત્રસ્ત હોવા છતાં ઢોરો પકડવા જેવી બાબતમાં પણ મુહૂર્તની રાહ જોતા ગ્રામ પંચાયત શાસકોની વિચિત્ર કાર્યરીતિથી ગામલોકો રીતસરના વાજ આવી ગયા છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer