હાલના આધુનિક યુગમાં પણ શેરી રમતોનું આયોજન

ભુજ, તા. 15 : વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન યુવક મંડળ-ભુજ દ્વારા જ્યૂબિલી ગ્રાઉન્ડ ખાતે વિશિષ્ટ પ્રકારની શેરી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આધુનિક યુગમાં જ્યારે મોટાભાગની વ્યક્તિઓ મોબાઇલમાં જ રમતો રમતી હોય છે એવા આ સમયે મંડળ દ્વારા શેરી રમતોનું આયોજન કરવામાં આવ્યું તેમાં નાનાં બાળકોથી માંડી મોટા વડીલો સુધી 500થી પણ વધારે વ્યક્તિઓએ ભાગ લીધો હતો. સમાજના પ્રમુખ અશોકભાઇ ખંડોલ તથા યુવક મંડળના પ્રમુખ મહેશભાઇ મહેતા તથા કારોબારી સભ્યોની હાજરીમાં આ શેરી રમત મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. શેરી રમતોમાં કુલ્લ છ રમતો; જેવી કે લીંબુ-ચમચી, કોથળા દોડ, લંગડી દોડ, સ્લો સાઇકલિંગ, કપલ દોડ, નાનાં ભૂલકાઓ માટે મ્યુઝિકલ ચેર જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક રમતમાં વિજેતા તથા ઉપવિજેતાઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કારોબારી સભ્યો નિમિષ દોશી, આશિષ બાબરિયા તથા સમગ્ર ટીમે સહયોગ આપ્યો હતો. સંચાલન મંત્રી અશ્વિન પારેખે કર્યું હતું તેવું મીડિયા કન્વીનર ભવ્ય દોશીની યાદીમાં જણાવાયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer