ગાંધીધામમાં બંધ મકાનને નિશાન બનાવી 35 હજારની તસ્કરી

ગાંધીધામ, તા. 15 : શહેરનાં સપનાનગર વિસ્તારમાં આવેલી મસ્જિદની પાછળ એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો તેમાંથી દાગીના, રોકડ વગેરે મળીને કુલ રૂા. 34,900ની મતાની ચોરી કરી નાસી ગયા હતા. શહેરમાં કચ્છ ધરાના નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા અને સપનાનગરમાં ડી-78માં રહેતા નરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજાના બંધ મકાનને નિશાચરોએ હડફેટમાં લીધું હતું. આ યુવાન વેપારી મકરસંક્રાંતિની રજા હોવાથી પરિવાર સાથે દમણ અને સેલવાસ ફરવા ગયા હતા. દરમ્યાન તા. 13-1 અને 14-1ના બપોરે 2-30ના અરસામાં આ બનાવ બન્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, તેમના બંધ મકાનના દરવાજાનું ઇન્ટર લોક તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા અને તેમના પિતાના રૂમમાંથી રુદ્રાક્ષની માળા, બે જૂની ચેઇન, ચાંદીનો ઘુઘરો, બે કાંડા ઘડિયાળ તથા પૂજા રૂમમાંથી ચાંદીની ત્રણ મૂર્તિ, બે સિક્કા વગેરે મળીને કુલ રૂા. 34,900ની મતાની ચોરી કરી નિશાચરો નાસી ગયા હતા. શહેર અને સંકુલમાં વધતા જતા લૂંટના બનાવો, ઘરફોડ ચોરીના બનાવોને પગલે લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer