આંકડા-દારૂના દરોડા બાદ પૂર્વ કચ્છ પોલીસના ત્રણ કર્મીની કરાઇ બદલી

ગાંધીધામ, તા. 15 : જિલ્લાના વિકસિત એવા આ નગરમાં ધીમેધીમે બેકાબૂ બની ગયેલી આંકડા અને દારૂની બદી સામે રેન્જ સ્તરેથી ધોંસ પડાયા બાદ આજે તેના પડઘા પડયા હતા, જેમાં એ-ડિવિઝનના ત્રણ મહત્ત્વના પોલીસ કર્મીઓની જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી. રેન્જ સ્તરની આર.આર. સેલની ટીમે શહેરના શક્તિનગર વિસ્તારમાંથી આંકડો લખતા એક શખ્સને પકડી પાડયો હતો. તો બીજા જ દિવસે ગળપાદરમાંથી લાખોનો દારૂ સેલની ટીમે પકડી પાડયો હતો. સેલની ટીમ દ્વારા પડાયેલા આ દરોડારૂપી ધોંસના પડઘા આજે દેખાવા લાગ્યા હતા જેનાં કારણે પલળેલા અને ભ્રષ્ટ સ્ટાફમાં રીતસરનો ફફડાટ ફેલાયો હતો. રેન્જ સ્તરેથી પડાયેલા આંકડા, દારૂના ગુણવત્તાસભર દરોડા બાદ કહેવાતા ડી સ્ટાફમાં નોકરી કરતા પોલીસ કર્મી એવા જનક લકુમ, રામદેવસિંહ બહાદુરસિંહ જાડેજા, મુકેશ પાતારિયાની પૂર્વથી પશ્ચિમ કચ્છમાં આઇ.જી. સ્તરેથી બદલી કરવામાં આવી હતી. પોલીસના સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું કે, પશ્ચિમમાંથી એક પોલીસ કર્મીની પૂર્વમાં, જ્યારે આ ત્રણેયની પશ્ચિમમાં બદલી કરવામાં આવી હતી. સેલના દરોડા બાદ આ કર્મીઓનું મેળાપીપણું બહાર આવતાં આ કડક પગલાં લેવાયાં હોવાનું મનાય છે, તો બીજી બાજુ મીઠીરોહર પાસેના તેલકાંડમાં પણ આવા જ પગલાં લેવાય તો પલળેલા કર્મીઓમાં સોપો પડી જાય તેમ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer