બારોઇમાં પાણીના મુદ્દે મહિલાઓએ અકળાઇને ઠેકેદારની કરી ધોલાઇ

મુંદરા, તા. 15 : બારોઇ જૂથ ગ્રામ પંચાયત હસ્તકની પાણી યોજનાનું પાણી લાંબા સમયથી ન મળતાં અકળાયેલી મહિલાઓએ પાણી યોજનાના ઠેકેદારની રીતસરની ધોલાઇ કરી નાખી હતી. પાણી ન મળવાથી ગ્રા.પં. સમક્ષ રજૂઆત કરવા ગયેલી મહિલાઓની ઝપટે કોન્ટ્રાકટર ચડી જતાં પ્રથમ ઉગ્ર બોલાચાલી બાદ 6થી 7 મહિલાઓએ કોન્ટ્રાકટરને ચંપલ વડે ધબેડી નાખ્યો હતો. દરમ્યાન સરપંચ જીવણજી જાડેજા આવી પહોંચતાં તેમણે ઝપાઝપીને થાળે પાડી હતી. વિગત એવી મળે છે કે, યોજનાની મોટર બળી ગઇ છે, તેથી પાણી મળતું નથી. તેમ સત્તાવાર સૂત્રો પાણી આપવાના મુદ્દે વાયદા પાળતા નથી. ખમતીધરો ટેન્કરથી પાણી મગાવી લે છે. જ્યારે ગરીબ વર્ગને પરવડતું નથી. બારોઇની મોટા ભાગની સોસાયટીના મકાનમાલિકો પોતાના સ્વતંત્ર બોરમાંથી પાણી મેળવે છે. જ્યારે અન્ય ગ્રામ્યજનો પાસે પંચાયતના પાણી સિવાયનો વિકલ્પ નથી. પાણીનો કકડાટ સમગ્ર વિસ્તારમાં છે. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં તાલુકામાં ચર્ચાનો મુદ્દો પણ પાણીનો પ્રશ્ન જ રહ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer