ભચાઉમાં એક જ દાતા એવા માંડવીના ધારાસભ્ય દ્વારા ક્ષત્રિય સમાજના 114 સમૂહલગ્ન યોજાશે

ભચાઉમાં એક જ દાતા એવા માંડવીના ધારાસભ્ય દ્વારા ક્ષત્રિય સમાજના 114 સમૂહલગ્ન યોજાશે
ભચાઉ, તા. 12 : માંડવી વિસ્તારના ધારાસભ્ય અને કચ્છના ક્ષત્રિય આગેવાન વીરેન્દ્રસિંહ  બહાદુરસિંહ જાડેજાના સંપૂર્ણ આર્થિક સહયોગથી રાજપૂત ક્ષત્રિય સમાજના 114 સમૂહલગ્નનું તા. 25મીએ આયોજન કરાયું છે. જેમાં પોતાના પુત્ર અને ભત્રીજીના પણ સાથે જ લગ્ન થવાના છે. ભચાઉ માટે આટલું મોટું આયોજન પ્રથમ વખત થઇ રહ્યું છે.આજના મોંઘવારીના યુગમાં સમૂહલગ્ન સમાજ માટે આશીર્વાદરૂપ છે, ત્યારે અહીં તો એક જ યજમાને સ્વખર્ચે સમૂહલગ્ન યોજીને શ્રીમંત વર્ગ માટે અનેરો રાહ ચીંધ્યો છે. 25મીના 114 એક અને 2 આયોજક પરિવારના મળીને 116 સમૂહલગ્નની તડામાર તૈયારી ચાલી રહી છે.યજમાન દાતા અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ ધારાસભ્ય વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાના પુત્ર અને ભચાઉ સુધરાઇના પ્રમુખ કુલદીપસિંહ જાડેજા અને જયદીપસિંહ જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, છેલ્લા છ મહિનાથી તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. પ્રાંત કચેરી સામે સદ્ભાવના કાર્યક્રમના સ્થળે 25 એકર જમીનમાં મંડપ, ભોજન કક્ષ, સેંકડો ગાડીના કાફલા માટે પાર્કિંગની તૈયારીઓ થઇ છે.આ પ્રસંગે 30થી 35 હજાર પત્રિકાઓનું વિતરણ કરાયું છે.  જેમાં રાજ્યમંત્રી વાસણભાઇ સહિત દસેક પ્રધાનો, ધારાસભ્યો, વિવિધ પક્ષોના રાજકીય આગેવાનો, રાજ્યના વિવિધ ક્ષત્રિય આગેવાનો હાજર રહેશે. આ માટે સમગ્ર ભચાઉને શણગારવાની તૈયારી ચાલી રહી છે. 115થી વધુ વરરાજા માટે સ્કોર્પિયો કાર, ખાસ પ્રકારની બગી, હાથી, ઘોડા, વિવિધ રાજ્યની બેન્ડ પાર્ટી સાથેનો વરઘોડો 3 કલાક સુધી ત્રણ કિ.મી.ના અંતર માટે યોજાશે. ધારાસભ્યના પુત્ર જયદીપસિંહ અને નાના ભાઇ મહાવીરસિંહ જાડેજાના પુત્રી પૂજાબાના લગ્ન નિમિત્તે કન્યાદાનમાં પ્રત્યેકને વાસણ, કપડાં, ઘરેણાં, રાચરચીલું દાનમાં અપાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer