મારે કચ્છમાં ચૂંટણી નથી લડવી પણ જમીન પ્રશ્ને છેલ્લા શ્વાસ સુધી લડીશ

મારે કચ્છમાં ચૂંટણી નથી લડવી પણ જમીન પ્રશ્ને છેલ્લા શ્વાસ સુધી લડીશ
ભચાઉ, તા. 12 : રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ આજે અહીં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની જાહેરસભા યોજાઈ હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ઘણા લોકોના મનમાં એવું ઠસાવાયું છે કે મેવાણી કચ્છમાં ચૂંટણી લડશે, પણ મારે અહીં ચૂંટણી લડવી નથી પણ જમીન સોંપણીના મુદ્દે છેલ્લા શ્વાસ સુધી લડત ચાલુ રાખીશ.અહીં પ્રાંત કચેરી સામે સદ્ભાવના મેદાનમાં આયોજિત જાહેર સભામાં વધુમાં તેમણે કહ્યું હતું કે, બંધારણના અમલ બાદ પણ જત (મુસ્લિમ) સમાજ આ મંચ પર બી.પી.એલ. કાર્ડ કઢાવવા વડગામના ધારાસભ્યને રજૂઆત કરે છે. ડો. આંબેડકરજીએ બંધારણમાં આપેલા હક્ક પોતે અપાવવા માગે છે. દેશમાં સંપત્તિ 1 ટકા વર્ગ પાસે જ છે, બાકીના 129 કરોડ પાસે સામાન્ય સમૃદ્ધિ છે. આ અસમાનતા દૂર થવી જોઈએ.આ સભામાં આજે દલિત સમાજ ઉપરાંત કેટલાક લઘુમતી સમાજના લોકોની હાજરી પણ ધ્યાન ખેંચતી હતી. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ આયોજિત જાહેર સભામાં કચ્છ એકમના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી, ડો. સુનીલ જાદવ, નીલ વિંઝોડા ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન મનજીભાઈએ અને આભાર ખાનજીભાઈએ વ્યક્ત કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer