જાપાનમાં વિશ્વ બૂડો સ્પર્ધામાં કચ્છી બાળકીઓ ઝળકી

જાપાનમાં વિશ્વ બૂડો સ્પર્ધામાં કચ્છી બાળકીઓ ઝળકી
ભુજ, તા. 12 : જાપાનમાં આજે રમાયેલી એચ. જે. કે. એફ. આંતરરાષ્ટ્રીય બૂડો સ્પર્ધામાં ભાગ લેવા ગયેલી કચ્છની ત્રણેય બાળકીઓ મહેક પટ્ટણી, મહેક ભાટિયા અને અંજલિ અંજારિયાએ ચંદ્રકો જીતી વિશ્વ દીકરી દિવસની ઉજવણીને સાર્થક કરતાં દેશને અને કચ્છને આંતરરાષ્ટ્રીય નામના અપાવી છે. સંભવત: આખા દેશમાંથી કચ્છની આ ત્રણેય બાળકીઓ જ સ્પર્ધક બની હતી.જાપાનના પાટનગર ટોકિયોના 20-20 સ્ટેડિયમમાં રમાયેલી સ્પર્ધામાં વન-ટુ-વન બૂડો સ્પર્ધા કુમિતેમાં મહેક જયેન્દ્રભાઈ ભાટિયાએ સુવર્ણ તો મહેક બંકીમચંદ્ર પટ્ટણીએ બ્રોન્ઝ મેડલ પર કબ્જો કર્યો હતો. જ્યારે અંજલિ રાજીવભાઈ અંજારિયાએ કોટાની ફાઈટમાં સિલ્વર ચંદ્રક મેળવ્યો હતો.જાપાનમાં યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં કુલ 13 દેશોના 377 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ભારતમાંથી અન્ય સ્પર્ધકો સાથે બાળકીઓમાં કચ્છની ત્રણે બાળાઓ પસંદ થઈ હતી. એ દૃષ્ટિએ વિશ્વ બાળકી દિવસની ઉજવણીને સાર્થક ઠરાવી હતી. ઉલ્લેખનીય છે કે કોચ વિનોદભાઈ પટેલ પાસેથી કરાટેનું પ્રશિક્ષણ મેળવનારી ત્રણેય બાળકીઓ નડિયાદ ખાતેની સ્પર્ધામાં જાપાનમાં ભાગ લેવા પસંદ થઈ હતી. આ સ્પર્ધા શોટોકાન કરાટેડો જાપાન ફરિન્કાઝન ફેડરેશને આયોજિત કરી હતી. ભારતીય ઓલિમ્પિક સંઘ, ભારત સરકારના રમત-ગમત મંત્રાલય દ્વારા માન્યતાપ્રાપ્ત આ સ્પર્ધાને વિશ્વ કરાટે ફેડરેશન અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીએ પણ માન્ય કરી છે. એ દૃષ્ટિએ કચ્છની આ ત્રણે બાળાઓની સિદ્ધિ આંતરરાષ્ટ્રીય કક્ષાની કહી શકાય.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer