ગાંધીધામનો એ ચારમાર્ગી રસ્તો અર્થ વગરનો

ગાંધીધામનો એ ચારમાર્ગી રસ્તો અર્થ વગરનો
ગાંધીધામ,તા.11 : શહેરના ઓસ્લો થિયેટરથી નેશનલ હાઈવે સુધીના ભોમરાજ જગાણી માર્ગને ચાર માર્ગીય બનાવવામાં આવ્યો પરંતુ હાલની પરિસ્થિતિઓનું આકલન કરતાં ઘણા અવરોધોના કારણે આ માર્ગને ચાર માર્ગીય કરવાનો હેતુ બર આવતો ન હોવાની રાવ વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર દ્વારા વ્યકત કરાઈ છે. ચેમ્બર દ્વારા જિલ્લા કલેકટર અને સુધરાઈ પ્રમુખને પાઠવેલા પત્રમાં જણાવ્યા પ્રમાણે ટાગોર રોડ ઉપર નાના વાહનોનું ભારણ ઓછું કરવા અને સેકટર વિસ્તારના લોકોને શહેરમાં આવવા જવાના સરળીકરણના હેતુથી આ માર્ગને ચાર માર્ગીય બનાવાયો હતો. પરંતુ ઓસ્લો ટોકીઝ પાસે બહુમાળી ઈમારતોમાં ટ્રાન્સપોર્ટરો અને  શિપિંગ કંપનીની કચેરીઓના કારણે કન્ટેઈનર સહિતના ભારે વાહનો સવાર સાંજ પાર્ક કરેલા હોય છે. આના કારણે માર્ગ સાંકડો થઈ જતો હોવાના કારણે નાના વાહનચાલકોને ભારે તકલીફ ભોગવવી પડે  છે. ચેમ્બર ભવનની સામે આ  માર્ગ ઉપર ભંગારના વેપારીઓએ  દબાણ કર્યું છે. તેઓ આ સ્થળે સવાર સાંજ લોડિંગ અનલોડિંગ માટે વાહનો જેમ તેમ ઊભા રાખતા હોવાથી એક બાજુનો રોડ સાવ બંધ થઈ જાય છે. આ પરિસ્થિતિના કારણે ગાંધીધામથી આવતા જતા વાહનો માટે આ માર્ગનો ઉપયોગ અંદરના વિસ્તારમાં જવા માટે બિલકુલ અસુરક્ષિત બની ગયો હોવાનું પત્રમાં જણાવાયું  છે.  ટાગોર રોડ ઉપર સવારના 8 થી રાત્રિના 8 વાગ્યા સુધી ભારે વાહનોની  આવન જાવન ઉપર પ્રતિબંધ છે. જેથી જી.આઈ.ડી.સી અને વ્યાપારિક વિસ્તારમાં ભારી વાહનોની અવરજવર માટે આ માર્ગનો ઉપયોગ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. આ મુદે ચેમ્બર દ્વારા અગાઉ પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ નક્કર પગલાં લેવાયા નથી. આ  માર્ગ બનાવવાનો હેતુ બર આવે તે માટે યોગ્ય કાર્યવાહી  કરવા અનુરોધ કરાયો છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer