જયંતીભાઇના પરિવારને ધમકીભર્યો ફોન

અમદાવાદ, તા. 12 (અમારા પ્રતિનિધિ દ્વારા) : સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાસ્પદ બનેલા કચ્છ ભાજપના અગ્રહરોળના નેતા જયંતીભાઇ ભાનુશાલીની ચાલુ ટ્રેને કરપીણ હત્યા થવાના મામલામાં કચ્છી મહિલા મનીષા ગોસ્વામી અને હત્યા કરનારા બે જણ સહિત પાંચ વ્યકિતને ઝડપી લેવાયા હોવાના બિનસત્તાવાર અહેવાલો વચ્ચેની સ્થિતિમાં પૂર્વ ધારાસભ્યના પરિવારને ધમકીઓ સાથેના ફોન શરૂ થતાં તેમના પરિવારને પોલીસ રક્ષણ પ્રદાન કરવામાં આવ્યું છે, તો અન્ય એક ઘટનામાં મનીષા ગોસ્વામીના પતિની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ સમગ્ર સ્થિતિ વચ્ચે સીટ કે તપાસમાં સામેલ કોઇ એજન્સી દ્વારા સત્તાવાર રીતે કોઇ વિગતો જાહેર કરાઇ નથી.આ કેસ માટે રચાયેલી ખાસ તપાસ ટુકડી (સીટ) તથા મદદમાં કાર્યરત રાજ્ય ત્રાસવાદ વિરોધી દળ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત જે-તે જગ્યાની સ્થાનિક પોલીસ દ્વારા આજે શનિવારની રાત્રિ સુધી કેસને સંલગ્ન ગુનાશોધન કે અન્ય કોઇ વિગતોની સત્તાવાર ઘોષણા કરાઇ નથી, પણ ટેલિવિઝન ચેનલો અને સમાચાર માધ્યમોમાં દાવા સાથે વહેતા થતા અહેવાલોને કેન્દ્રમાં રાખીને એ બાબત ચોક્કસપણે ઊભરી આવી છે કે કેસ ઉકેલાવાના આરે તો છે જ. સમગ્ર ખૂનકેસની નાયિકા મનાતી મૂળ ધાવડા (નખત્રાણા)ની અને વાપી પરણાવાયેલી મનીષા ગોસ્વામી તથા જેમણે હત્યા કરી હોવાનો આરોપ છે તેવા સુરજિત ભાઉ અને શેખર મોરે નામના શાર્પશૂટર બતાવાયેલા બે શખ્સ સહિત કુલ્લ પાંચ વ્યક્તિ કાયદાના સકંજામાં આવી ગઈ હોવાના આવા અહેવાલો વચ્ચે પૂર્વ ધારાસભ્ય જયંતીભાઇના પરિવારના સભ્યોને મુંબઇથી ધમકીભર્યા ફોન આવવાના શરૂ થતાં તેમણે આ મામલે આજે બપોરે પોલીસ સમક્ષ જઇ રજૂઆત કર્યા બાદ પરિવારને પોલીસ રક્ષણ પ્રદાન કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા નિવાસસ્થાન ખાતે પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. બીજીબાજુ ફરિયાદમાં જેનું નામ છે તે મનીષા નામની મહિલાના પતિ ગજુ ગોસ્વામીની તબિયત આજે લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસ ફરિયાદ સહિતના સમગ્ર ઘટનાક્રમ થકી પોતે અને પરિવારના સભ્યો ગભરાઇ ગયા હોવાની કેફિયત તેમણે આપી છે.આ વચ્ચે આધારભૂત સૂત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર આ હાઇપ્રોફાઇલ અને પોલીસ  માટે પ્રેસ્ટીજ ઇસ્યૂ સમાન આ પ્રકરણમાં અત્યાર સુધી તપાસનીશો જે મુકામ ઉપર પહોંચ્યા છે તેમાં મોબાઇલ ફોન લોકેશન અને કોલ ડિટેઇલ સહિતની વૈજ્ઞાનિક ઢબની આધુનિક તપાસનો સિંહફાળો બની રહ્યો છે. તો જે-તે જગ્યાના સી.સી. ટી.વી. કેમેરાના દૃશ્યો પણ અત્યંત ઉપયોગી સાબિત થયા છે. આ આધુનિક છાનબીને કેસને સંલગ્ન મહત્ત્વની કડીઓ આપી છે. સાયબર સંલગ્ન આ તપાસમાં મળેલી કડીઓએ અત્યાર સુધી સ્પષ્ટ કરેલી વિગતો અનુસાર ગત તા. 3જીના મનીષા તથા સુરજિત ભાઉ અને શેખર મોરે મુંબઇથી સાંજે ભુજ પહોંચેલા વિમાનમાંથી ઊતર્યા હતા. પોલીસે વિમાનના પ્રવાસીઓની યાદીની ચકાસણી કરતાં આ મુદ્દાને પુષ્ટિ મળી છે. તેમને લેવા આવેલી ઇનોવા કાર સી.સી.ટી.વી. ફ્|ટેજમાં ઓળખાઇ છે અને તેના નંબરના આધારે તેના માલિકને શોધી કાઢી ઇનોવા મનીષાના કહેવાથી આવી હોવાનું પણ શોધી કઢાયું છે, તો ભુજના રેલવે મથકેથી હત્યા થઇ તે રાત્રે થયેલા ફોનની વિગતો પણ શોધી કઢાઇ છે. શ્રી ભાનુશાલી સયાજીનગરી ટ્રેનમાં સવાર થઇ રહ્યા હોવાની માહિતી આપતો આ ફોન કરનાર અને તેને રિસિવ કરનારા પણ ઓળખી કઢાયા હોવાનો દાવો કરાયો છે. જેને લઇને હત્યા કરનારા ગાંધીધામ સ્ટેશનેથી ટ્રેનમાં સવાર થયા હોવાનો તાર્કિક પુરાવો પણ મળી આવ્યો છે. જ્યારે કૃત્યને અંજામ આપનારા શખ્સોને ઓળખવામાં પણ સી.સી. ટી.વી.ની મદદ મુખ્ય ભૂમિકામાં રહી છે.  સત્તાવાર રીતે ગુનાની શોધનની કાર્યવાહી સહિતની જાહેર ન થયેલી વિગતોના માહોલ વચ્ચે માજી ધારાસભ્યની હત્યા પછવાડે તેમના મોબાઇલ ફોનમાં રહેલા કેટલાક વીડિયો કલીપિંગ મુખ્યત્વે જવાબદાર ગણાવાઇ રહ્યા છે. આરોપીઓ ભાનુશાલીનો એક મોબાઇલ ફોન લઇ ગયા હોવાથી તપાસનીશો પણ આ થિયરીને કોચમાંથી મળેલા બીજા ફોનના કલીપિંગના આધારે દમવાળી માની રહ્યા છે.  દરમ્યાન પ્રકરણની ફરિયાદમાં જેનું નામ લખાવાયું છે તેવા કચ્છના રાજકીય આગેવાન મુળ ડુમરાના અને હાલે ભુજ રહેતા જયંતીભાઇ ઠક્કર અમદાવાદ પહોંચ્યા બાદ ગત ગુરુવારે તેમની છ કલાક સુધી સીટના અધિકારીઓએ પૂછતાછ કરી કેસને સંલગ્ન વિગતો ચર્ચી હતી. આ પછી તેમને જવા દેવાયા હતા, તો આ સમગ્ર પ્રકરણમાં ભુજના રહેવાસી અને કચ્છના લઘુમતી આગેવાન એવા ભુજ શહેર ભાજપના માજી મહામંત્રી હાજી મોહમદસિધિક જુણેજાની કોઇ જ પૂછતાછ ન કરાઇ હોવાની સ્પષ્ટતા કરાઇ હતી. દરમ્યાન સ્વ. ભાનુશાલીની આવતીકાલે રવિવારે તેમના મૂળ વતન હાજાપર (અબડાસા) ખાતે પ્રાર્થનાસભા યોજાશે. આ વચ્ચે આવતીકાલ સાંજ સુધીમાં સીટ દ્વારા ગુનાશોધનની વિધિવત ઘોષણા થવાની સંભાવના પણ જોવાઇ રહી છે.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer