નાણાં માટે મહિલાઓનો ઉપયોગ બંધ કરો...

ભુજ, તા. 12 : પૂર્વ ધારાસભ્ય જયંતીભાઈ ભાનુશાલીની હત્યા પૂર્વેના પ્રકરણમાં મધ્યસ્થીની મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂકેલા ભાનુશાલી સમાજના આગેવાન રાતા તળાવ આશાપુરા મંદિરવાળા મનજીભાઈ ભાનુશાલી કહે છે કે કચ્છમાં મહિલાઓનો ખૂબ દુરુપયોગ ઉપયોગ થાય છે છતાં પોલીસ કેમ ચૂપ છે ? ટ્રેનમાં રાત્રે જયંતીભાઈની હત્યા થઈ એ પૂર્વે બે દિવસ અગાઉ રાતાતળાવ ખાતેના ગૌસેવાના જે જાહેર કાર્યક્રમમાં હાજર હતા તેના આયોજક પાંજરાપોળના મુખ્ય સંચાલક મનજી ખીંયશી ભાનુશાલીએ `કચ્છમિત્ર' સાથેની વાતચીતમાં સાફ કહ્યું હતું કે, રાજકીય કાંટો કાઢી નાખવાની લડાઈએ જયંતીભાઈનું કાસળ કાઢી નાખ્યું  હોવાનું સમજાય છે. જો પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવશે તો હત્યા પાછળ ક્યાંક નલિયા બળાત્કાર કાંડ પણ બહાર આવશે. મહિલાઓનો ઉપયોગ કરી કોઈકને ઉતારી પાડી નાણાં પડાવવાની વાત છે એ સાચી વાત છે. આ વાતની મને ત્યારે જાણ થઈ જ્યારે હું જયંતીભાઈના પ્રકરણમાં સમાધાનમાં વચ્ચે આવ્યો. જયંતીભાઈને ફસાવવામાં આવ્યા ત્યારે અમારી ભાનુશાલી જ્ઞાતિના આગેવાનો મારી પાસે આવ્યા અને સમાધાન કરાવવા તમે વચ્ચે પડો એમ કહ્યું ત્યારે હું કોઈ પણ જાતની પરવા કર્યા વગર દોડી ગયો અને આખાય પ્રકરણમાં સુરત, રાજકોટ, અમદાવાદ અને કચ્છમાં બેઠકો કરી અને સમાધાન કરાવ્યું, જેને પગલે જયંતીભાઈને કોર્ટમાંથી રાહત મળી ગઈ હતી. એ સમયગાળા દરમ્યાન સુરજિત ભાઉ જેને `ભાઉ' તરીકે ઓળખવામાં આવે છે તે અને મનીષા ગોસ્વામી મારા સંપર્કમાં આવ્યા, ત્યારે મનીષાને પણ મેં બોલાવી. છબીલભાઈ પટેલ સાથે મિટિંગ કરી. જયંતીભાઈ આ તમામને એક જ વાત કરી કે હવે આ ધંધો બંધ કરો, તમારી ગેંગ તમને જ નુકસાન કરશે. એકબીજાના `કપડાં' ઉતારવાનો કોઈ ફાયદો નથી. તમારી લડાઈમાં ત્રીજો કોઈ ફાવી જશે તેવું છબીલભાઈ અને જયંતીભાઈ બંનેને મેં કહ્યું હતું. ક્યારેક ભાઉ જયંતીભાઈ સાથે હોય તો ક્યારેક છબીલભાઈ સાથે. મને શંકા જતાં જયંતીભાઈને સતર્ક રહેવા પણ  ચેતવ્યા હતા. હું એક વખત છબીલભાઈના ઘરે ભુજમાં મળવા ગયો તો ત્યાં ભાઉ બેઠો હતો. ભાઉ સૌથી પહેલાં જયંતીભાઈના સંપર્કમાં આવ્યો પછી તો ભાઉ અને મનીષા બંને નાણાં પડાવવાનો જ ધંધો કરતા હતા એ હકીકત છે. જયંતીભાઈની હત્યા માટે સોપારી અપાઈ છે એ વાત પણ સાચી છે. તેમણે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે, કચ્છ, ગુજરાતમાં આ મહિલાઓનો ઉપયોગ કરી ગમે તેને ફસાવવાનો ધંધો ચાલે છે. વીડિયો ઉતારવામાં આવે છે. પોલીસ અને કેટલાક મીડિયાના મિત્રોથી અજાણ નથી. ખરેખર જો પોલીસ આ પ્રવૃત્તિ સામે કડક નહીં બને તો હજુ પણ પરિણામો ખરાબ આવશે. 3 તારીખે ભુજના એરપોર્ટ ઉપર મનીષા સાથે કોણ ઊતર્યા હતા તેની તપાસ થાય તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. જો પોલીસ કેસ નહીં ઉકેલે અને ન્યાય નહીં મળે તો ભાનુશાલી સમાજ ચૂપ નહીં બેસે તેવી ચીમકી આપી `બાપુ' તરીકે ઓળખાતા મનજીભાઈએ ઉમેર્યું હતું કે કાયદા પર વિશ્વાસ છે. ન્યાય મળશે તેવી ખાતરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer