ગાંધીધામ વોર્ડ-2ની પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ

ગાંધીધામ, તા. 12 : સુધરાઈની આદિપુરના એક વોર્ડની આગામી  તા. 27 જાન્યુઆરીના યોજાનારી પેટાચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખે કુલ પાંચ  ફોર્મ ભરાયા હતા. જેમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત બે અપક્ષ ઉમેદવારે દાવેદારી નોંધાવી હતી. આ વોર્ડમાં બન્ને પક્ષોએ સિંધી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આદિપુરના વોર્ડ બેના સુધરાઈ સભ્ય મોમાયા ગઢવી ત્રીજા સંતાનના પિતા બનતાં તેમણે આપેલા રાજીનામાંથી ખાલી પડેલી એક બેઠક માટે પેટાચૂંટણી યોજાશે. આજે ઉમેદવારીપત્ર ભરવાના  અંતિમ દિવસે કુલ પાંચ ફોર્મ ભરાયા હતાં. ભાજપ દ્વારા જિલ્લા યુવા ભાજપના મહામંત્રી અને વેપારી દિનેશ ગોવિંદરામ લાલવાણીની પસંદગી કરવામાં આવી છે જયારે ભાજપના ડમી ઉમેદવાર તરીકે ગોવિંદ ટીકયાનીએ ફોર્મ ભર્યું હતું. બીજીબાજુ કોંગ્રેસ દ્વારા પરિવહન વ્યવસાય સાથે સંકળાયેલા મનીષ જેઠાનંદ ભાટિયાને જંગમાં ઉતારવામાં આવ્યા છે. આ ઉપરાંત અપક્ષ તરીકે મમતા મહેશ આહુજા અને દીપા મહેશ તોલાણીએ દાવેદારી નોંધાવી હતી. ભાજપ દ્વારા ઢોલ શરણાઈના સૂરો  રેલાવી ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ  વેળાએ જિલ્લાના પદાધિકારીની હાજરી હતી, પરંતુ સ્થાનિક  સંગઠનના પદાધિકારીઓ અને જે વોર્ડની પેટાચૂંટણી છે તે વોર્ડ બેના  વરિષ્ઠ આગેવાનોની ગેરહાજરીથી આશ્ચર્ય પ્રસર્યું હતું. ભાજપ આ નોંધપાત્ર લીડ સાથે બેઠક જાળવી રાખવા મક્કમ છે, તો સામે  વિપક્ષ કોંગ્રેસે ભાજપની આંતરિક ખટપટનો  લાભ લઈ આ બેઠક અંકે કરવા વ્યાયામ આદર્યો છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer